ભરૃચ સેઝનો કસ્ટમ ઇન્સ્પેક્ટર ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયો
રૃા.૪૦ હજાર આપો તો જ સહી કરું તેમ કહ્યું ઃ એસીબીએ સેઝની ઓફિસમાં જ લાંચનું છટકું ગોઠવી ઝડપી પાડયો
વડોદરા તા.૧૨ ભરૃચ જિલ્લામાં દહેજ સેઝ-૧ ખાતે કસ્ટમ ઇન્સ્પેક્ટર કોન્ટ્રાક્ટરનો સામાન બહાર લઇ જવાના કાગળ પર સહી કરવા માટે રૃા.૪૦ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે સિવિલ અને મિકેનિકલ કોન્ટ્રાક્ટરનું દહેજ સેઝ-૧ની કંપનીઓમાં કામ ચાલતું હતું. તેઓ ગ્રીન ફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટનો ધંધો કરતા હોવાથી આ પ્રોજેક્ટ માટે ગેટની અંદર સિવિલ સેન્ટિંગનો સામાન લઇ જવા તેમજ આ સામાન બહાર કાઢવા માટે દેહજ સેઝ-૧ના ગેટ ઉપર ચેકિંગ કરાવવાનું હોય છે અને પેપર પર સહી તેમજ સિક્કો મારવાનો હોય છે.
કોન્ટ્રાક્ટરનું સેઝ-૧માં ચાલતું કામ પૂર્ણ થઇ ગયું હોવાથી સામાન પરત લેવા માટે સુપરવાઇઝરો તા.૭ જૂનના રોજ ગયા હતાં. સુપરવાઇઝરો સામાન બહાર લાવવા માટે પેપર લઇને દહેજ સેઝ-૧માં આવેલી ડેવલપમેન્ટ કમિશનરની કચેરીમાં પ્રિવેન્ટિવ ઓફિસર (કસ્ટમ ઇન્સ્પેક્ટર) તરીકે કામ કરતાં મુકેશકુમાર રામધીનસિંગને મળ્યા હતાં. પરંતુ મુકેશકુમારે સહી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને રૃા.૪૦ હજાર લાંચની માંગણી કરી હતી.
લાંચિયા કસ્ટમ ઇન્સ્પેક્ટરને પાઠ ભણાવવા માટે કોન્ટ્રાક્ટરે એસીબીમાં ફરિયાદ આપતાં એસીબીના મદદનીશ નિયામક પી.એચ. ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ ભરૃચના પીઆઇ એમ.જે. શિંદેએ સ્ટાફ સાથે દહેજ-૧ સેઝ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. કસ્ટમ ઇન્સ્પેક્ટર પોતાની ઓફિસમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ જતા તેની સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.