કોર્પોરેશનની કામગીરીના ધજાગરા: કાદવ કીચડમાં લપસી પડાઈ નહીં તેવા ડર વચ્ચે નનામી કાઢવી પડી

Updated: Jul 1st, 2024


Google NewsGoogle News
કોર્પોરેશનની કામગીરીના ધજાગરા: કાદવ કીચડમાં લપસી પડાઈ નહીં તેવા ડર વચ્ચે નનામી કાઢવી પડી 1 - image


વડોદરા શહેરમાં નજીવા વરસાદે પાલીકા તંત્રની પોલ ખુલ્લી કરી દીધી છે ત્યારે કારેલીબાગ કલ્યાણ નગર વિસ્તારમાં ડ્રેનેજ લાઈન એક વર્ષ અગાઉ નાખવામાં આવી હતી પરંતુ તેના ખાડાનું યોગ્ય રીતે પુરાણ થયું નથી. નજીવા વરસાદે આ વિસ્તારમાં કાદવ- કિચડ અને ઠેર ઠેર ખાડા પડ્યા છે ત્યારે વિસ્તારમાંથી સ્વજનની નનામી લઈ જવામાં પણ લોકોને ભારે તકલીફ પડી હતી. કાદવ-કિચડમાં સતત લપસી જવા સહિત ખાડામાં પડી જવાની બીક સાથે મોતનો મલાજો પણ સાચવવામાં સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં સીઝનનો માત્ર ચાર ઇંચ વરસાદ પડ્યો છે. આમ છતાં પણ પાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડયા છે. ચોમાસાની સીઝન અગાઉ પ્રિમોનસુન કામગીરી શહેરભરમાં પૂરી થઈ હોવાના બણગા ફૂંકાયા હતા. છતાં પણ નજીવા વરસાદમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે બીજી બાજુ કારેલીબાગ કલ્યાણ નગર વિસ્તારમાં એક વર્ષ અગાઉ ગટર- ડ્રેનેજની નવી લાઈન નાખવામાં આવી હતી આ અંગે ખોદવામાં આવેલા ખાડાનું પણ યોગ્ય રીતે પુરાણ થયું નથી જેથી સામાન્ય વરસાદમાં અહીંયા ઠેર ઠેર કિચડ સહિત અયોગ્ય પુરાણના કારણે રસ્તા પર ખાડા પડી ગયા છે. જેથી ચાલતા જવાથી કિચનમાં લપસી જવાનો સતત ભય રહે છે. એમાય વળી વાહન ચલાવીને કેવી રીતે નીકળવું એક મોટો પ્રશ્ન છે. 

કોર્પોરેશનની કામગીરીના ધજાગરા: કાદવ કીચડમાં લપસી પડાઈ નહીં તેવા ડર વચ્ચે નનામી કાઢવી પડી 2 - image

દરમિયાન કલ્યાણનગર નવીનગરી વિસ્તારમાં એક મહિલાનું  ગઈ રાત્રે અચાનક તબિયત બગડી હતી. તેને ધ્યાનમાં રાખી સારવાર માટે 108 બોલાવવામાં આવી પરંતુ તેઓએ પણ કાદવ કિચનમાં ગાડી અંદર લઈ જતા ફસાઈ જવાના બીક થી અંદર લઈ ગયા ન હતા ત્યારબાદ ટૂંકી સારવાર દરમિયાન અવસાન થયૂં હતું. જેથી સ્વજનની નનામી વિસ્તારમાંથી લઈ જવા માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને કિચડમાં સતત લપસી જવા સહિત ખાડામાં પગ ફસાઈ જતા મોતનો મલાજો પણ નહીં જળવાવાની સતત દહેશત વચ્ચે ખૂબ જ સાવચેતીથી નનામીને લઈ જવાઇ હતી. જ્યારે બીજી બાજુ રોડ રસ્તાના ખાડા ટેકરા બાબતે રજૂઆત કરવા જતા સ્થાનિક નગરસેવકો વિસ્તારના ફોટા પાડી વિડીયો બનાવીને લઈ જતા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. એક વર્ષ વીતી જવા છતાં પણ આ રોડ રસ્તા પર પાકો રસ્તો તંત્ર દ્વારા નહીં બનાવાતા લોકો રોષે ભરાયા છે.


Google NewsGoogle News