12 કરોડના વધારા સાથે કોર્પોરેશનનું 1259 કરોડ રૃપિયાનું બજેટ મંજુર

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
12 કરોડના વધારા સાથે કોર્પોરેશનનું 1259 કરોડ રૃપિયાનું બજેટ મંજુર 1 - image


વિકાસ કામો પાછળ ૯.૬૬ કરોડના વધારાનો ખર્ચ

સ્થાયી સમિતિએ રેવન્યુ ખર્ચમાં પણ ૫૫ લાખ રૃપિયાનો વધારો કર્યો છતા ૫૯૮ કરોડ રૃપિયાની પુરાંતનો પણ અંદાજ

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૫નું ૧૨૪૭ કરોડ રૃપિયાનું ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યા બાદ સ્થાયી સમિતિ દ્વારા તેમાં કેપિટલ ખર્ચ પેટે ૯.૬૬ કરોડ રૃપિયાનો વધારો કરી કુલ ૧૨ કરોડના વધારા સાથે ૧,૨૫૯ કરોડ રૃપિયાનું બજેટ આજની બેઠકમાં મંજુર કરી દીધું હતું હવે આ બજેટને મંજુરી અર્થે સામાન્ય સભામાં મોકલવામાં આવશે. અંદાજ પ્રમાણે, નવા વર્ષના બજેટમાં ૫૯૮ કરોડ રૃપિયાની પુરાંત રહેશે.

ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૪-૨૪નું ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું જેમાં શહેરના જુના અને નવા વિસ્તારને આવરી લઇને ૧૨૪૭ કરોડ રૃપિયાનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સ્થાયી સમિતિ દ્વારા આ બજેટનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને બજેટલક્ષી સુચનો પણ નાગરિકો પાસેથી મંગાવવામાં આવ્યા હતા.ત્યારે આજે ચેરમેન જસવંત પટેલની અધ્યક્ષતામાં આ બજેટને મંજુર કરવામાં આવ્યું હતું જેમાં ૧૨ કરોડ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ૯.૬૬ કરોડ રૃપિયાનો કેપિટલ ખર્ચમાં વધારો કરવામાં આવ્યો હતો જેમાં દરેક વોર્ડમાં લાયબ્રેરી પાછળ બે કરોડ, જીમખાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાછળ એક કરોડના વધારા સાથે પાંચ કરોડ,યોગ સ્ટૂડિયો માટે દોઢ કરોડના વધારા સાથે ત્રણ કરોડ, નદી કિનારાના સ્થળો વિકસાવવા બે કરોડ, ૧૮ ગામોના ચોકનું ડેવલોપમેન્ટ કરવા બે કરોડ તેમજ કોર્પોરેટરોની ગ્રાન્ટમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આમ, ૧૨૫૯ કરોડ રૃપિયાનું આ બજેટ આજની બેઠકમાં મંજુર કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ આવકમાં પણ ૯.૨૫ લાખ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે આ બજેટને આગામી સામાન્ય સભામાં મંજુરી અર્થે મોકલવામાં આવશે


Google NewsGoogle News