વડોદરા: તુલસીવાડી વિસ્તારના 50થી વધુ દબાણ ઉપર કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું
વડોદરા, તા. 12 માર્ચ 2024 મંગળવાર
વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં શાક માર્કેટ પાસે આવેલ ચાલીના 50 જેટલા રહીશો દ્વારા પોતાના ઘરની બહાર ઉભા કરી દેવાયેલા દબાણો આજે તોડી પડાયા હતા. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરી હતી.
શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. જે બાદ અહીંયા દબાણો પુન: ઊભા થઈ ગયા હતા. જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી. તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા. આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના 50 જેટલા રહીશોએ વધારાના ઉભા કરેલા ઓટલા, બાથરૂમ, દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા. બે જેસીબી મશીન, કટર, બ્રેકર સાથે 35 જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર સુનિલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલ દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા.