મીઠીનજરઃ બોટકાંડના સૂત્રધારોને લાખોની કમાણી કરાવી આપતા હોર્ડિંગ્સ VMCએ હજી દૂર કર્યા નથી
વડોદરાઃ લેકઝોનના સંચાલકો પર મીઠી નજર રાખનાર કોર્પોરેશને હજી પણ કોન્ટ્રાક્ટરની કમાણીના સાધનરૃપ હોર્ડિંગ્સ ચાલુ રાખતાં વધુ એક વિવાદ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ,કોર્પોરેશને માત્ર વર્ષે રૃ.૩ લાખની આવક મેળવી મે.કોટિયા પ્રોજેક્ટને હરણી લેકઝોનનો ૩૦ વર્ષ સુધી કોન્ટ્રાક્ટ આપ્યો હતો.જેમાં પરેશ શાહ અને ભાગીદારોએ ડેવલપમેન્ટ કરી હોલ,રેસ્ટોરાં, રાઇડ્સ,બોટિંગ જેવી પ્રવૃત્તિઓ મારફતે જંગી આવક ઉભી કરી હતી.
પરેશ શાહ અને ભાગીદારોએ આવક ઉભી કરવા માટે લેકઝોન ફરતે ડિસપ્લે વાળા હોર્ડિંગ્સ પણ ઉભા કર્યા હતા.જેમાંથી અંદાજિત વર્ષે રૃ.૩૦ થી ૪૦ લાખની આવક થઇ રહી હોવાનું મનાય છે.
કોન્ટ્રાક્ટરોએ આવક મેળવવા માટે ઉભા કરેલા હોર્ડિંગ્સ બોટ દુર્ઘટના પછી પણ હજી ચાલુ રાખવામાં આવ્યા છે.જેથી કોર્પોરેશન હોર્ડિંગ્સની આવક ગુમાવીને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી રહી છે તેવી લોકોમાં લાગણી વ્યક્ત થઇ રહી છે.