વડોદરામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પકડી પાડવા કોર્પોરેશન પાસે સ્ટાફ અપૂરતો
- માત્ર આઠ જ ફૂડ સેફટી ઓફિસર છે
- ખાદ્ય પદાર્થોના સેમ્પલો પૂરતી સંખ્યામાં લઈ શકાતા નથી
- છેલ્લા દસ વર્ષમાં કોઈને સજા થઈ નથી
વડોદરા,તા.3 નવેમ્બર 2021,બુધવાર
શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ સેફટી ઓફિસર હોવો જોઈએ તેના બદલે હાલ માત્ર આઠ ફૂડ સેફટી ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. વડોદરા શહેરની 18 લાખની વસ્તી સામે હજી 10 ફુડ ઇન્સ્પેકટરોની સંખ્યા ઓછી છે. કોર્પોરેશનમાં કોંગ્રેસના નેતાના જણાવ્યા મુજબ સરકારનો કાયદો લૂલો છે. તેમાં ઘણા સુધારાની જરૂર છે. દિવાળી અને તહેવારોમાં લોકો બજારમાંથી ખરીદી કરતા હૉય છે, ત્યારે એમાં ક્યો માલ ખરાબ કે સારો એ નક્કી કરવું મુશ્કેલ છે. તેમણે જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો પર વિવિધ પ્રકારના નાસ્તા, ફરસાણ અને મીઠાઈઓનું વેચાણ થાય છે. જેમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ધંધાર્થીઓ અને દુકાનદારો ઉતરતી કક્ષાનો, ભેળસેળવાળો, સડેલો અનાજનો માલ વાપરે છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડા રોકવા માટે કોર્પોરેશન દ્વારા દરોડા પાડવામાં આવે છે અને ખાદ્ય પદાર્થોના નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે, જે ખાધ પદાર્થ ખોરાક/મીઠાઇ/ફરસાણનું સેમ્પલ આજે લીધું તેનો ટેસ્ટિંગ રિપોર્ટ 14 થી 15 દિવસે આવે છે. મીઠાઈ/ફરસાણ ત્યાં સુધીમાં તો દુકાનદારે લોકોને વેચી દે છે.અને લોકો પણ ખાઈ ગયા હોય છે. 15-દિવસ પછીએ સેમ્પલ ફેઇલ થયું કે અસલામત જાહેર થાય તો કોર્પો.મ્યુનિ.કોર્ટમાં ફરિયાદ કરે છે, અને ચુકાદાની રાહ જુએ છે. મીઠાઇ/ ફરસાણ લોકો તો ખાઈ ગયા હોય પછી શું કામનું ? આ તો પ્રજા સાથે ક્રૂર મશ્કરી છે એમ તેમણે જણાવ્યું હતું બીજી ગંભીર બાબત એ છે કે, 10 વર્ષમાં અધિકારીઓએ મ્યુનિસિપલ કોર્ટમાં ફરિયાદ કરી છે. પરતુ છેલ્લા 10 વર્ષથી એક પણ ચુકાદો આવ્યો નથી. કોઈને સજા થઈ નથી. આટલા મોટા શહેરમાં 3-વર્ષના આરોગ્ય વિભાગએ જે સંખ્યામાં સેમ્પલ લીધા છે. તે પણ પ્રજાના આરોગ્ય સાથેની મજાક છે. કારણ કે ભારત સરકારની ફુડ સેફટીની ગાઈડ લાઇનની વિરુદ્ધ છે. એટલે કે 10000થી વધારે સેમ્પલ લેવાના હોય. એની જગ્યાએ કોર્પોરેશન 200 જેટલા સેમ્પલ મેળવે છે. સેમ્પલના ટેસ્ટિંગ જે 15 દિવસે આવે છે તેના પરિણામ 24 કલાકની અંદર આવે તેવી ટેસ્ટિંગ ફેસિલિટી ઊભી કરવી જોઈએ. કોર્પો.ના આરોગ્ય વિભાગ દ્વારા 24 ક્લાકની હેલ્પ લાઇન ઊભી કરવી જોઈએ. છેલ્લા ૩-વર્ષમાં ઉતરતી કક્ષાના માલ વેચનારાઓ સામે 75-કેસોમાંથી ફક્ત 48-કેસો પકડાયા છે. ફૂડ ડિપાર્ટમેંટમાં જે સ્ટાફ છે તે પણ અપૂરતો છે. જેની સંખ્યા વધારવી જોઈએ.