કોર્પોરેશન ૨૦ થી વધુ સ્થળોએ ઇલેકટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરશે
કોર્પો.ને પ્રથમ ૬ વર્ષ યુનિટ દીઠ દોઢ રૃપિયા અને ત્યારબાદ બે રૃપિયા મળશેઃ કાર્બન ક્રેડિટના ૪૦ ટકા મળશે
વડોદરા, વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં શહેરમાં ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનો બનાવવા માટેની દરખાસ્ત મંજુર થઇ છે. ચાર્જિંગ સ્ટેશનો મુદ્દો અધિકારીઓ સાથે ચર્ચા બાદ વધુ વિગતો એકત્રિત કરીને કોર્પોરેશનને ફાયદો થાય અને ઇલેકટ્રીક વ્હીકલ્સની નીતીને પ્રોત્સાહન મળે તે ધ્યાને રાખીને આ દરખાસ્ત મંજુર કરી છે.
સરકારની ઇલેકટ્રીક વ્હીકલ પ્રોત્સાહન યોજના હેઠળ વડોદરામાં ૧૦૦ થી વધુ ઇલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન છે. ખાનગી ઇલેકટ્રીક વાહનો પણ વધી રહ્યા છે. કોર્પોરેશને જુદા જુદા વિસ્તારમાં પબ્લિક ઇલેકટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શરુ કરવા માટે કંપનીઓ અને સંસ્થાઓ પાસેથી અગાઉ ઓફરો પણ મંગાવી હતી. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર કોર્પોરેશનને સહાય કરનાર છે, ત્યારે ઇલેકટ્રીક વાહનો માટે ૩૮ સ્થલોએ પબ્લીક ઇલેકટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવા ઓફરો મગાવી હતી. આ કામ પીપીપી ધોરણે કરાશે.
કોર્પોરેશનની જગ્યા પર રેવન્યૂ શેરિંગ મોડલ આધારીત ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. અટલ (અદાણી ટોટલ એનર્જીસ ઇમોબિલિટિ લિ.) દ્વારા શહેરમાં બ્રિજની નીચે, અતિથિગૃહો, નગરગૃહો, ગાર્ડન, તળાવ, સ્ટેશન, સિટિ બસ સ્ટેન્ડ, અકોટા સ્ટેડિયમ વગેરે બહાર પાર્કિંગની જગ્યા તથા અન્ય સ્થળો પર સર્વે આધારિત ૨૦ થી વધુ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા દરખાસ્ત કરી હતી. જેનું ૧૦ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સ આ કંપની કરાશે. ચાર્ગિંજ સ્ટેશનના વીજ વપરાશના ૧ યુનિટ દીઢ દોઢ રૃપિયો પ્રથમ ૬ વર્ષ માટે અને ત્યારબાદ એક યુનિટના બે રુપિયા બાકીના વર્ષો માટે કોર્પોરેશનને રેવન્યુ શેરિંગ પેટે આપશે.
કુલ વીજ વપરાશ બિલ પણ અટેલ દ્વારા ભરાશે. આમાં કોર્પોરેશનને કોઇ ખર્ચ થશે નહિં. હાલ એક યુનિટના ૧૭ રુપિયા લેવાય છે. જે ઠરાવ કર્યો છે, તેમાં ૧ યુનિટ દીઠ ૮.૮૨ ટકા ૬ વર્ષ માટે અને ત્યારબાદ ૧૧.૭૬ ટકા મુજબ વસુલ કરવા ઠરાવ્યું છે. રૃા.૭ના ૮.૮૨ ટકા એટલે કે દોઢ રુપિયો થાય છે. કંપની ભવિષ્યમાં જો યુનિટના ભાવ વધારે તો તે ભાવના ૮.૮૨ ટકા કોર્પોરેશનને મળશે એટલે કે કોર્પોરેશનને વધુ આર્થિક ફાયદો થશે.
ટુંકમાં કોર્પોરેશન ટકાવારીમા ંબંધાઇ નથી. આ ઉપરાંત કાર્બન ક્રેડિટમાં કંપનીને જે નફો થાય તેમાં ૪૦ ટકા કોર્પોરેશનને મળશે અને ૬૦ ટકા કંપનીને મળશે.