સૂરસાગર વિસ્તારમાં ૧૦ લારી બંધ કરાવી કોર્પોરેશન દ્વારા પાણીપૂરીની ૫૮ લારી પર ચેકિંગ હાથ ધરાયું
અખાદ્ય પૂરીનું ૮૨ લીટર પાણી, રંગવાળી ચટણીનો નાશ કરાયો અસ્વચ્છતા બદલ કડક સૂચના : આઈસ્ક્રીમના ૩ નમૂના લીધા
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમોએ સૂરસાગરની સામે તથા સયાજીગંજમાં પાણીપૂરીની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું, અને પૂરીનું પાણી તથા બટાકાના જથ્થાનો નાશ કર્યો હતો.
સૂરસાગરની સામે એક ટીમે ચેકિંગ કરતા વારંવારની સૂચના છતાં સ્વચ્છતા નહીં જાળવતા ૨૨ માંથી ૧૦ લારીઓ બંધ કરાવીને ૭૦ લીટર પાણીનો અને ૫૦ કિલો બટાકાનો નાશ કર્યો હતો.
આ ઉપરાંત બીજી ટીમે સયાજીગંજ, કમાટીબાગની સામે કુલ મળીને ૩૬ લારીનું ચેકિંગ કર્યું હતું. જેમાં ૧૨ લીટર અખાદ્ય પાણી અને રંગવાળી ચટણીના જથ્થાનો નાશ કર્યો હતો. જ્યાં પણ સ્વચ્છતાનો અભાવ જણાયો ત્યાં કડક સૂચના આપીને ચોખ્ખાઈ જાળવવા કહ્યું હતું.
ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા દાંડિયા બજાર ભૈરુનાથ આઈસ્ક્રીમની દુકાનનાં માલિક દ્વારા ઉભી રખાતી પાણીપુરીની લારીમાં ચેકીંગ હાથ ધરતાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જણાતા નોટીસ આપી પાણીપુરીની લારીનું રજિસ્ટ્રેશન ૧૮૦ દિવસ માટે તાત્કાલિક અસરથી સ્થગિત કરી પાણીપુરીનું વેચાણ બંધ કરાવ્યું છે અને લારીને જપ્ત કરી લેવાઈ છે. લારી ઉભી રાખનાર ભૈરૃનાથ આઈસ્ક્રીમની દુકાનમાં મેંગો (લૂઝ), અમેરીકન ડ્રાયફ્રુટ (લૂઝ) તથા રાજભોગ (લૂઝ) આઈસ્ક્રીમનાં ૩ નમૂના લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવેલા છે.