બે પાર્ટી પ્લોટના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કોર્પો.એ નોટિસ આપી
નવનીત ફાર્મનું ગેરકાયદે બાંધકામ કોર્પો.એ તોડી પાડયું, પાર્ટી પ્લોટના દબાણ ૪ દિવસમાં તોડવા માલિકની સંમતિ
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખાએ તા.૨૨ ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, નવનીત ફાર્મ અને પ્રીત પાર્ટી પ્લોટ ગેરકાયદે બાંધકામ કરવા સંદર્ભે નોટિસ ફટકારીને જો આ બાંધકામ નહીં દૂર કરવામાં આવે તો કોર્પોરેશન આગોતરી જાણ કર્યા વિના તોડી પાડશે, તેવી ચીમકી આપી હતી.
પ્રસંગ પાર્ટી પ્લોટ સમા-સાવલી રોડ, નર્મદા કેનાલ પાસે, નવનીત ફાર્મ રાંદલમાતા મંદિરની સામે, ન્યુ સવા રોડ ખાતે તેમજ પ્રીત પાર્ટી પ્લોટ નર્મદા કેનાલની સામે, સમા ખાતે આવેલો છે. કોર્પોેરેશને આપેલી નોટિસમાં જણાવાયા મુજબ આ ત્રણેય સ્થળે માર્જિન અને પાર્કિંગવાળા ભાગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવેલું છે. અને જીડીસીઆરની જોગવાઇઓ મુજબ મંજૂર થઇ શકે તેમ નથી. જેથી એક્ટની કલમ ૨૬૦(૧) - એ પ્રમાણે નોટિસ આપી ગેરકાયદે બાંધકામ તરત જ દૂર કરવા તાકિદ કરી હતી. નવનીત પાર્ક, પ્રીત પાર્ટી પ્લોટ અને પ્રસંગ પાર્ટી પ્લોટની માલિકી એકની જ છે જેમના માલિકના પુત્ર રોનક નવનીતભાઇ પટેલે આજરોજ કોર્પોરેશનને લેખિતમાં આપ્યું હતું કે અમારા પાર્ટી પ્લોટમાં કોઇપણ ગેરકાયદે કામકાજ હશે તો અમારી જાતે જ ચાર દિવસમાં ઉતરાવી લઇશું. જો કોર્પોરેશનના ધ્યાનમાં કોઇ ગેરકાયદે ધ્યાનમાં આવે તો તેની અમને જાણ કરવી અને અમને પૂરતો સમય આપવો જેથી અમારી જાતે જ ઉતારી લઇસું.
કોર્પોરેશનને આ લખાણ મળ્યા બાદ બાંધકામ પરવાનગી દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ અને પ્રીત પાર્ટી પ્લોટને ગેરકાયદે બાંધકામ દૂર કરવા અંગે આજે ફરી નોટિસ આપીને જણાવ્યું છે કે પાર્ટી પ્લોટમાં પાર્કિંગની જગ્યામાં ઓફિસ અને લોન બનાવી છે, તથા માર્જિનની જગ્યામાં રોડ અને ટોઇલેટનું ગેરકાયદે બાંધકામ કર્યું છે. જે અવારનવાર સૂચના આપવા છતાં દૂર કરવામાં આવ્યું નથી. તમારા તરફથી જ દિવસમાં જાતે જ બાંધકામ ઉતારી લેવા અંગે પત્ર રૃબરૃમાં આપ્યો છે. આ નોટિસ મળે એટલે ગેરકાયદે બાંધકામ દર્શાવેલી મુદતમાં દૂર કરી ફોટોગ્રાફ સાથે જાણ કરવી. અન્યથા આગોતરી જાણ કર્યા વિના દૂર કરવામાં આવશે. દરમિયાન નવનીત ફાર્મમાં જે ગેરકાયદે બાંથરૃમ- ટોયલેટ ઊભા કરાયા હતા તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. નવનીત ફાર્મના આ બાંધકામ સંદર્ભે નજીકની સોસાયટીઓના લોકોનો વિરોધ હતો.