કેરળ કનેક્શન હોવાને કારણે કોરોનાનો નવો જેએન.વન સબ વેરિયન્ટ હોવાની શક્યતા
ગાંધીનગરના એક્ટિવ પાંચેય કોરોના દર્દીઓમાં
દક્ષિણ ભારતની ટૂર બાદ સંક્રમિત તમામ પાંચ કોરોનાના દર્દીના સેમ્પલ જીનોમ સીક્વસીંગ માટે મોકલાયા
ગાંધીનગર : દક્ષિણ ભારતની યાત્રા બાદ કોરોનામાં સપડાયેલા ગાંધીનગરનાં પાંચેય દર્દીના સેમ્પલ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલી આપવામાં આવ્યા છે ત્યારે તબીબો દ્વારા આ દર્દીને નવો જેએન.વન સબ વેરીયન્ટ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઘણા દર્દીઓને લક્ષણો નથી તેમ છતા તેઓ કોરોનાગ્રસ્ત થયા છે તથા તમામ દર્દીઓને કેરળ કનેક્શન છે જેથી કોરોનાના એમિક્રોન વેરિયન્ટનો જેએન.વન સબ વેરિયન્ટ હોવાની શક્યતા વધી જાય છે.
ભારતમાં ફરી કોરોનાએ એન્ટ્રી લીધી છે જેને લઇને સમગ્ર
દેશમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખાસ કરીને કેરળ
રાજ્યમાં સંક્રમણ વધુ છે એટલુ જ નહીં,
અહીં કોરોનાનો નવો જેએન.વન વેરિયન્ટના દર્દીઓ જ વધુ જોવા મળી રહ્યા છે. સાથે
સાથે અહીં આ ચેપ ખુબ જ ઝડપથી પણ ફેલાય રહ્યો છે. કેરળમાં કોરનાગ્રસ્ત દર્દીઓના
મોતનો સિલસિલો પણ ચાલ્યો છે ત્યારે તાજેતરમાં દક્ષિણ ભારત જઇને આવેલા ગાંધીનગર
શહેર અને જિલ્લાના કુલ પાંચ યાત્રિકો પણ કોરોનામાં સપડાયા છે જેમને હોમ આઇસોલેટ
કરીને તેમને કયો વેરિયન્ટનો ચેપ લાગ્યો છે તે શોધવા માટે તેમના સેમ્પલ જીનોમ
સિક્વન્સીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ચાર દિવસ થઇ ગયા છતા આ
જીનોમ સિક્વન્સીંગના રિપોર્ટ આવ્યા નથી ત્યારે તબીબોનું માનીએ તો આ પાંચ પૈકી ઘણા
દર્દીઓને કોરોનાના જુના લક્ષણો નથી,
કેટલાકને તો કોઇ પણ પ્રકારના લક્ષણો નથી તેમ છતા તેઓ પોઝિટિવ છે. આ ઉપરાંત
તમામ પાંચ પોઝિટિવ દર્દીઓનું કેરળ કનેક્શન છે જેના પગલે આ પાંચેય કોરોનાગ્રસ્ત
દર્દીઓમાં ઓમીક્રોનનો જએન.વન સબ વેરિયન્ટ હોવાની શક્યતા વધી જાય છે. જેથી તબીબો પણ
તે દિશામાં જ તેમને ટ્રીટ કરવા તથા તેમની સંભાળ લેવાની સાથે જરૃરી ગાઇડલાઇનને ફોલો
કરવાની સલાહ આપે છે.