લોકસભાની ચૂંટણી પૂર્વે વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રૂ.137 કરોડના કામો રજૂ થતાં વિવાદ
Image Source: Facebook
વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર
લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે તારીખ 15 માર્ચના રોજ સ્થાયી સમિતિની નિર્ણયલક્ષી અંતિમ બેઠક મળશે! જેમાં રૂપિયા 137.33 કરોડના કામ 28 કામ અંગે નિર્ણય લેવામાં આવશે. હવે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ત્યારે છેલ્લે છેલ્લે બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા કોર્પોરેશનની સ્થાયી સમિતિએ કમર કશી છે.
પાલિકાની માલિકીના પાંચ નંગ રોડ સ્વીપર મશીન ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સાથે ખરીદવા 8 કલાકની સિફ્ટના બે વખતના ઘટાડા બાદ વાર્ષિક 330 શિફ્ટ મશીન લેખે પાંચ નંગ મશીનનો વાર્ષિક ઈજારો 2.20 કરોડ અંગે સ્થાયી સમિતિ નિર્ણય લેશે. પાણી પુરવઠા શાખા અંતર્ગત માણેજા સિમેન્સ કંપનીથી રેલવે ક્રોસિંગ કરી રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે લાઈન થઈ સત્યનગર હાઉસિંગ તરફ પાણીની નાળીકા નાખવાનું કામ અંદાજથી 37.31% વધુનું રૂપિયા 1.33 કરોડ + જીએસટીનું રજુ કરવામાં આવ્યું છે. જાંબુવા બેસીલ સ્કૂલથી રાજપૂત ભવન આરસીસી રોડ તોડાણ કરી 300 મીટર વ્યાસની નાળીકા નાખવા અંદાજથી 32.58% વધુનું રૂ.51.18 લાખનું ભાવપત્ર આવ્યું છે. સ્વાતિ ત્રણ રસ્તા ખાતે હયાત ડીલીવરી લાઈનમાં કામગીરી કરવા અંદાજથી 27% વધુનું ભાવ પત્ર રૂપિયા 27.78 લાખ તથા રૂપિયા 5.18 લાખ જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવાની ભલામણ છે. વોર્ડ નંબર 9માં ઝવેરનગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી ડાયામીટરની લાઈન નાખવાની કામગીરી માટે અદાજથી 27% વધુ રૂપિયા 1.22 કરોડનું ભાવપત્ર રજૂ થયું છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 13 માટે પાણીની કાસ્ટ અને નળીકા નાખવાના કામે ચાલુ વાર્ષિક ઇજારામાં વધુ રૂપિયા 70 લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું ભાવ પત્ર આવ્યું છે. મકરપુરામાં પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવા રૂપિયા 2.34 કરોડના ભાવપત્રને મંજૂરી માટે રજૂ કરાયું છે. નવાપુરા સરદાર માર્કેટ ખાતે નવીન વહીવટી વોર્ડ નંબર 13ની કચેરી બનાવવા ₹2.12 કરોડની મર્યાદા માટેનું કામ અંદાજથી 3.05 ટકા વધુનું રજૂ કરાયું છે. પાણીગેટ ફાયર સ્ટેશન ખાતે સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાના કામે અંદાજથી 1.80% વધુનું ભાવપત્ર 8.44 કરોડનું રજૂ થયું છે. ઉત્તર ઝોનમાં સિવિલ કામનો વાર્ષિક ઇજારો આપવા રૂપિયા 10 કરોડની મર્યાદા માટેના કામ અંગે નિર્ણય લેવાનો થશે. અગ્નિસમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે વોટર ટેન્ડર ખરીદવા રૂપિયા ૮૫.૩૧ લાખનું ભાવપત્ર આવ્યું છે. અભિલાષા ચાર રસ્તાથી છાણી ખોડીયાર નગર તરફ જતા 18 મીટરની પહોળાઈના રોડ પર કેનાલ પર આવેલ બ્રિજની પહોળાઈ વધારવા ₹3.91 કરોડનું ભાવપત્ર નેટ અંદાજથી 14.22% વધુનું રજૂ થયું છે. પાલિકાની વિવિધ શાખા માટે જરૂરી પડતો માલ ખરીદવા ₹6.25 લાખનો વધારો કરવાની દાદ માગવામાં આવી છે. ઇલેક્ટ્રીક મિકેનિકલ શાખાના છાણી, કલાલી (જૂનું) અને ન્યુ હરણી પંપિંગ સ્ટેશનમાં મોટર પંપસેટ ખરીદવા ₹1.23 કરોડનું ભાવ પત્ર રજૂ થયું છે. સરદાર પટેલ પ્લેનેટેરીયમમાં વિવિધ ખગોળીય અને વૈજ્ઞાનિક ઘટનાઓ આધારિત સાધનો સપ્લાય અને ઇન્સ્ટોલ કરવા અંદાજથી 17.65 ટકા વધુનું રૂપિયા 1.65 કરોડનું ભાવપત્ર આવ્યું છે. સયાજીબાગમાં એનિમલ એન્ડ ક્લોઝર વિકસાવવા અંદાજથી 25.09 ટકા વધુનું રૂપિયા 3.74 કરોડનું ભાવપત્ર રજૂ કરાયું છે. ચાર ઢોર ડબ્બાની કામગીરી આઉટ સોર્સિંગથી કરવા માટે તથા ઢોલ ડબ્બા માટે નિભાવણી અને દુરસ્તી ઉપરાંત એનિમલ ટેગિંગ, દવાઓ તમામ ખર્ચ માટે રૂપિયા 4 કરોડની જોગવાઈ કરી તે અંગેનો નિર્ણય તથા તમામ સત્તા કમિશનરને સુપ્રત કરવાની દરખાસ્ત રજૂ કરાઈ છે.