વડોદરા કોર્પોરેશનની બિલ્ડિંગોમાં નવું વાયરિંગ કરવા 1.50 કરોડનો ખર્ચનું ટેન્ડર વધુ ભાવનું આવતા વિવાદ
વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર
વડોદરા મહાનગરપાલિકા હસ્તકની વિવિધ સરકારી બિલ્ડીંગોમાં નવું વાયરિંગ કરવા વાર્ષિક ઇજારાંથી કોન્ટ્રાકટર મે.રાજેન્દ્રસિંહ બી. ઠાકોરના અંદાજ કરતાં 14% વધુ 1.50 કરોડના ભાવપત્રની મંજૂરી અર્થેનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થયું છે. જેથી વિવાદ સર્જાયો છે.
વડોદરા મહાનગરપાલિકા હસ્તકની વિવિધ બિલ્ડીંગો જેવી કે વોર્ડ ઓફીસ, સ્મશાન ગૃહો, ઝોનલ ઓફીસ, ફાયર સ્ટેશનો, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, નગર પ્રાથમિક શાળાઓ, પ્રવાસી ગૃહ, અતિથિ ગૃહો, અર્બન હેલ્થ સેન્ટરો, આંગણવાડીઓ, સ્વીમીંગપુલો તથા અન્ય ઓફીસ, બિલ્ડીંગોમાં નવું ઇલેક્ટ્રીફીકેશન તથા તેની નિભાવણી માટે રૂ.1.50 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારો મંગાવતા બે કોન્ટ્રાક્ટરો એ ભાગ લીધો હતો. પરંતુ એક ઇજારદારની હાર્ડ કોપી સમય મર્યાદામાં આવી ન હતી જેથી એક જ ઇજારદારનું ભાવપત્ર થતુ હોય ચાર વખત ભાવપત્રો મંગાવવા છત્તા એક જ ઇજારદાર ક્વોલીફાઇડ થયો છે.
વડોદરા કોર્પોરેશનમાં હાલમાં જે રીતે અંદાજ તૈયાર કરવામાં આવ્યા છે તેમાં અંદાજ કરતાં પણ ઓછા ભાવના ટેન્ડર આવી રહ્યા છે ત્યારે વધુ ભાવ ટેન્ડર આવતા વિવાદ સર્જાયો છે. શુક્રવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ અંગેની ચર્ચા-વિચારણા બાદ અંતિમ નિર્ણય લેવાશે.