વડોદરા: બિલ અને વેમાલી વિસ્તારમાં બે પાર્ટી પ્લોટ વિકસાવવાની દરખાસ્તથી વિવાદ
Image Source: Freepik
વડોદરા, તા. 11 જાન્યુઆરી 2024 ગુરૂવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પાર્ટી પ્લોટ બનાવી તેમાં ફુલ ઝાડ ઉગાડવાનું સ્થાયી સમિતિમાં રજૂ થયેલું કામ ભાજપના હોદ્દેદાર અને સ્થાયી સમિતિના એક સભ્ય ની રજૂઆત બાદ કામ કમિશનર તરફ પરત મોકલવામાં આવ્યું હતું જેથી વિવાદ સર્જાયો હતો ત્યારબાદ મધ્યમ વર્ગના લોકો માટે પાર્ટી પ્લોટ વિકસાવવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ભાજપના મહિલા કાઉન્સિલરએ સમગ્ર સભામાં રજૂઆતો કરી હતી ત્યારબાદ હવે કોર્પોરેશન દ્વારા વેમાલી અને બિલ ગામ પાસે ₹3.81 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ વિકસાવવાનું કામ સ્થાયી સમિતિમાં રજૂ થયું છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા 21 થી 23% વધુ ભાવના ટેન્ડર રજૂ કર્યા છે.
સ્થાયી સમિતિમાં અગાઉ નવા બે પાર્ટી પ્લોટ તૈયાર કરી તેમાં ફૂલ ઝાડ ઉગાડવા ના કામ અંગેની દરખાસ્ત રજૂ થઈ હતી તે બંને દરખાસ્ત ભાજપના જ એક હોદ્દેદાર અને સ્થાયી સમિતિના એક સભ્યના વિરોધને કારણે પરત મોકલી હતી તે બાદ ભાજપના એક મહિલા કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્યએ સમગ્ર સભામાં અને ત્યારબાદ ભાજપની સંકલન સમિતિમાં મધ્યમ વર્ગ ના લોકો માટે પાર્ટી પ્લોટ વિકસાવવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી તે બાદ આ વખતની સ્થાયી સમિતિમાં બિલ અને વેમાલી ગામ પાસે કોર્પોરેશનના પ્લોટ માં બે પાર્ટી પ્લોટ બનાવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્ત માં જણાવ્યું છે કે કોર્પોરેશનના પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા શહેરના બિલ ગામ પાસેના ટીપી સ્કીમ નંબર એક ફાઇનલ પ્લોટ નંબર 110 માં પાર્ટી પ્લોટ વિકસાવવા સિવિલ કામગીરી કરવા અંગે મારુતિ એન્ટરપ્રાઇઝ નું કામ અંદાજે રૂપિયા 1.44 કરોડ અને 21 ટકા વધુ ભાવનું ભાવ પત્ર મંજૂર કરવા કમિશનર ભલામણ કરી છે જેનો ખર્ચ સ્વર્ણીમ ગુજરાત ની ગ્રાન્ટમાં થશે તેમ જણાવ્યું છે.
એ જ પ્રમાણે બીજી દરખાસ્તમાં વેમાલી ટીપી સ્કીમ નંબર એક ફાઇનલ પ્લોટ 143 માં પાર્ટી પ્લોટ વિકસાવવા સિવિલ કામગીરી કરવા અંગે નિસરસ હાલાર કન્સ્ટ્રક્શનનું 23.50% વધુ રૂ. 2.37 કરોડ ના ખર્ચ થવાના અંદાજ સાથે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થતા ફરી એકવાર પાર્ટી પ્લોટ અંગેનો વિવાદ સર્જાશે તેમ જાણવા મળે છે.