વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરનું વળતર ચૂકવવાના અલગ અલગ કાટલાં,ગ્રામજનોમાં રોષ
વડોદરાઃ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરને કારણે થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે વિચિત્ર ધારાધોરણો અપનાવાતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
વડોદરા જિલ્લામાં તાજેતરમાં પૂરને કારણે આઠમાંથી સાત તાલુકાઓના અનેક ગામોમાં ભારે નુકસાન થયું હતું.સંખ્યાબંધ ખેડૂતો પાયમાલ થઇ ગયા છે.જ્યારે, ગામડાંઓમાં નદીઓના પૂરને કારણે મકાનોમાં પણ ભારે તારાજી સર્જાઇ હતી.જેથી લોકોનો રોષ શાંત પાડવા માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી.
પરંતુ સહાય ચૂકવવામાં જુદાજુદા કાટલાં અપનાવવામાં આવ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે.વડોદરા નજીક ડભોઇ તાલુકાના ભીલાપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૃપલબેન રાઠોડ અને અન્ય ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું છે કે,ભીલાપુર અને વાયદપુરા જેવા ગામો ઢાઢર નદીને કિનારે આવેલા છે અને તેમાં ભારે તારાજી સર્જાઇ હતી.
અમારા ગામોમાં અનેક મકાનોને નુકસાન થયું હતું અને ઘરવખરી પણ તારાજ થઇ ગઇ હતી.આમ છતાં સર્વે કર્યા બાદ અમારા ગામોમાં વ્યક્તિદિઠ રૃ.૧૦૦ લેખે માત્ર કેશડોલ ચૂકવવામાં આવી છે.જ્યારે,બીજા ગામોમાં ઘરવખરીના નુકસાન પેટે રૃ.અઢી થી પાંચ હજાર સુધીની સહાય ચૂકવવામાં આવી છે.
આમ,તંત્ર દ્વારા વ્હાલાદવલાની નીતિ અપનાવવામાં આવી હોવાથી ગ્રામજનો આવેદન પત્ર આપી ઉગ્ર વિરોધ કરનાર છે.જો તેમ છતાં ન્યાય નહિ મળે તો આંદોલનનો માર્ગ અપનાવીશું.