Get The App

વડોદરામાં ગણેશજીની પ્રતિમાની ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ, આયોજકોને ચિમકી

મૂર્તિમાં ફેરફાર કરવામાં નહી આવે તો હિન્દુ અખાડાઓ મેદાનમાં ઉતરશે અને કાનૂની કાર્યવાહી કરીશું : નાથ સંપ્રદાયના મહંતની ચિમકી

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ગણેશજીની પ્રતિમાની ઉપર ઘનશ્યામ મહારાજની પ્રતિમા સ્થાપિત કરાતા વિવાદ, આયોજકોને ચિમકી 1 - image


વડોદરા : શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે દરમિયાન હરણી રોડ ઉપર મીરા ચાર રસ્તા પાસે હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાના કારણે વિવાદ ઊભો થયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ઘનશ્યામ સ્વામીને ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાની ઉપર સ્થાપિત કરવામાં આવ્યા હોવાથી સનાતની હિન્દુઓની લાગણી દુભાઇ હોવાના આક્ષેપ નાથ સંપ્રદાયના મહંત શ્રી જ્યોર્તિનાથે કર્યો છે અને આયોજકો સામે કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે.

હરણી રોડ પર હિરાનગર ટ્રસ્ટના શ્રીજી પંડાલમાં સ્થાપિત મૂર્તિના કારણે વિવાદ સર્જાયો છે

જ્યોર્તિનાથજીનું કહેવું છે કે 'સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અપમાન કરવાની અગાઉ પણ ઘટનાઓ બની હતી અને ગંભીર વિવાદો થયા હતા. સાળંગપુરમાં હનુમાનજીને ઘનશ્યામ સ્વામીની સેવામાં હોય તેવા દર્શાવવામા આવ્યા હતા જે બાદ આખા દેશમાં આ પ્રશ્ને વિવાદ થતાં સાળંગપુર મંદિરના સ્વામીઓએ આખરે તે વિવાદાસ્પદ ભીંત ચીત્ર હટાવી લીધુ હતું. 

આવી ઘટનાઓ સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી બનતી જ રહે છે. હિરાનગર ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રીજીની પ્રતિમાને જોઇને જ લાગે કે આ પ્રતિમા ગણેશજીને નીચા બતાવવા માટે તૈયાર કરવામાં આવી છે. ગણેશજીથી ઉપર કોઇ ના હોઇ શકે. અમે આ વાત આયોજકો સુધી પહોંચાડી છે જો મૂર્તિમાં ફેરફાર કરવામાં નહી આવે તો અમે કાનૂની લડત પણ આપીશુ અને હિન્દુ અખાડાઓ મેદાને ઉતરશે'

35 વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ : ગણેશજીથી મોટુ કોઇ હોઇ ના શકે

આ મામલે હિરાનગર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાન નેહલ સુતરીયા સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે 'વિવાદ જેવુ કશુ છે જ નહી. ગણેશજીથી મોટુ કોઇ હોઇ શકે જ નહી. ભગવાન ગણેશજીની પ્રતિમાના બેકગ્રાઉન્ડમાં જે ફ્રેમ બનાવવામા આવી છે તેમાં ઘનશ્યામ મહારાજ, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીની પ્રતિમા છે. હિરાનગર ટ્રસ્ટ 35 વર્ષથી શ્રીજીની સ્થાપના કરે છે. દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. ઘનશ્યામ મહારાજ અને સ્વામિનરાયણ સંપ્રદાય પણ સનાતન હિન્દુ ધર્મનો જ ભાગ છે તેમ વિવાદ કરવો અયોગ્ય છે.'


Google NewsGoogle News