Get The App

ભાજપની ભાંજગડ, વરસાદી પૂરે વડોદરાને ડૂબાડયું, પ્રજાની પીડાને રાજકારણનો અખાડો બનાવી દીધો

ધારાસભ્ય યોગેશ પટેલે 35 વર્ષના અનુભવનો લાભ સામે ચાલીને નવા નિશાળીયાઓને જઇને આપવો જોઇએ તેને બદલે વિવાદ કરી રહ્યા છે

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ભાજપની ભાંજગડ, વરસાદી પૂરે વડોદરાને ડૂબાડયું, પ્રજાની પીડાને રાજકારણનો અખાડો બનાવી દીધો 1 - image


Gujarat Vadodara News | વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યા બાદ કોર્પોરેશનમાં બેઠેલા હોદ્દેદારો બિનઅનુભવી અને નવા નિશાળીયા હોઇ શહેરની આ હાલત સર્જાઇ છે. તેવો બળાપો ભાજપના સિનિયર મોસ્ટ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો છેે. યોગેશ પટેલના આવા બળાપાથી રોમ જ્યારે ભડકે બળતુ હતું અને નીરો ફિડલ વગાડતો હતો તેવો ઘાટ સર્જાયો છે.

રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો તેવો ઘાટ

યોગેશ પટેલ ૩૫ વર્ષથી ધારાસભ્ય પદે છે. વડોદરામાં વિશ્વામિત્રીનો પ્રશ્ન વર્ષો જુનો છે. હજી સુધી આ પ્રશ્નનો કોઇ ઉકેલ આવ્યો નથી. વિનાશક પૂરમાં લોકો ઘેરાયેલા હતા, યાતના વેઠી રહ્યાં હતા ત્યારે પૂરના મુદ્દે રાજકારણનો અખાડો બનાવી શકાય નહી. કોર્પોરેશનમાં બેઠેલા શાસકોને નવા નિશાળીયા કહી યોગેશ પટેલે પૂર પ્રશ્ને બાખડવાનું જે વલણ અખત્યાર કર્યું છે તે મુદ્દે પક્ષના ઘણા સિનિયર આગેવાનો પણ નારાજ છે. આ માનવ સર્જિત પૂર છે તે હકિકત છે. પૂર ઉતર્યા બાદ અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચાડી લોકસેવાનું કાર્ય કરવાના બદલે આ પ્રકારનું રાજકારણ રમવાની શરમ આવવી જોઇએ. યોગેશ પટેલ ૩૫ વર્ષથી ધારાસભ્ય પદે છે ત્યારે તેમની પાસે અનુભવનો જે નીચોડ છે તેનો સામે ચાલીને નવા નિશાળીયાઓ પાસે જઇ માર્ગદર્શન આપવુ જોઇએ. પૂરની આ વિકટ સ્થિતિમાં શું લોકો સામે ચાલીને તેમના ઘરે જઇને સાયરન વગાડે કે આવો અમને માર્ગદર્શન આપો, મદદ કરો. આવી કઠીન પરિસ્થિતિમાં સિનિયર જુનિયરની રમત રમ્યા વગર લોકસેવામાં જોડાઇ જવુ જોઇએ.

પક્ષના ઘણા આગેવાનો પોતાનું નામ લીધા વગર કહે છે કે યોગેશભાઇ વર્ષોથી ધારાસભ્ય છે. ભૂતકાળમાં પણ અનેક વખત પૂર આવી ચુક્યા છે તો પૂર પ્રશ્ને કયો નિવેડો લાવી શક્યા છે ? તેઓ સિનિયર છે તો નવા નિશાળીયા જે ભૂલ કરે છે તે બદલ કાન મચકોડવો જોઇએ પણ તેમ કરવાના બદલે આક્ષેપ બાજી કરે છે તેનો કોઇ અર્થ નથી. આક્ષેપબાજી કરીને જુનિયર જેવુ વર્તન કરી રહ્યા છે.

એક હોદ્દેદારે તો ત્યાં સુધી કહ્યું છે કે બીજી હરોળ તૈયાર કરવી જ પડે અને જે નવા નિશાળીયા છે તેની જો ભૂલ થાય તો કહેવું પણ પડે. પરંતુ આ રીતે આક્ષેપબાજી કરવાથી કોઇ ઊકેલ આવવાનો નથી. તેઓ વધુમાં કહે છે કે ઘણી વખત અનુભવ અભિશાપ રૃપ સાબિત થાય છે. અનુભવ પૂર્વગ્રહયુક્ત નહોવો જોઇએ. અનુભવની સાથે વૈજ્ઞાાનિક જ્ઞાાનનો સંગમ હોય તો જ સિસ્ટમને ફાયદો થાય બાકી નુકસાન થાય. પક્ષના એક સિનિયર આગેવાનના કહેવા મુજબ પાંચ વર્ષ અગાઉ મુખ્યમંત્રી સાથે પાંચ મીટિંગો થઇ હતી અને તેમાં દર વખતે પહેલો પ્રશ્ન વિશ્વામિત્રીનો ચર્ચાતો હતો. યોગેશભાઇ તો તે પૂર્વેના ધારાસભ્ય છે કેમ કોઇ ઠોસ નિરાકરણ લાવી શક્યા નથી. મહત્વની વાત એ છે કે છેલ્લા ૩૫ વર્ષમાં યોગેશ પટેલે વિશ્વામિત્રી નદીના પૂર વડોદરામાં આવતા રોકવા માટે કર્યુ શું ? એ પ્રશ્નનો ઉત્તર જુના નિશાળીયા યોગેશ પટેલે પ્રજાને આપવો જોઇએ. જો કે પક્ષના ઘણા લોકો એવુ કહે છે કે કોર્પોરેશનની અને પક્ષની સંકલન સમિતિની બેઠકો મળે છે ત્યારે પ્રિમોન્સુનની કામગીરી વિશ્વામિત્રીના દબાણ અને વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દાઓ ઉપર અવાર નવાર યોગેશ પટેલ દ્વારા ટકોર કરવામાં આવે છે પરંતુ તંત્ર ધ્યાન આપતુ નથી. 

યોગેશ પટેલે પૂર મુદ્દે શું બળાપો કાઢ્યો હતો

વડોદરામાં વિશ્વામિત્રી નદીના વિનાશક પૂર આવ્યા બાદ કોર્પોરેશનં બેઠેલા હોદ્દેદારો બિન અનુભવી અને નવા નિશાળિયા હોઈ શહેરની આવી વિકટ હાલત સર્જાઈ છે, તેવો બળાપો ભાજપના સિનિયર મોસ્ટ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો છે. શહેરનો ઇતિહાસ ભૂગોળ જે લોકો જાણતા નથી તેઓને સત્તા સોંપી દેવામાં આવી છે અને આ હાલત થઈ છે. તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી છે.


Google NewsGoogle News