વડોદરામાં દંતેશ્વરની જમીનનું વળતર માલિકને ચૂકવવું કે રહેવાસીઓને તેનો વિવાદ
વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં સતત ચોથીવાર દંતેશ્વરની જમીન વળતર ચૂકવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છે. કોર્પોરેશને નવી જંત્રી પ્રમાણે વળતર ચૂકવવા ભલામણ કરી છે તો વર્ષ 2011 પહેલા જમીન સંપાદન થઇ છે તો તે સમયની જંત્રી પ્રમાણે ચુકવવાનો વિવાદ થયો છે. હવે વ્યાજ અને આ રકમ જમીન માલિકને ચૂકવવી કે રહેવાસીઓને તે અંગે પણ વિવાદ થયો છે.
દંતેશ્વર વિસ્તારના 40 મીટરના રિંગરોડથી 36 મીટર સુધીના રે.સર્વે નંબર 402 પૈકીથી 352 સુધીની 18 મીટર રસ્તા રેષામાં કપાત થયેલી જમીનનું વળતર નવી જંત્રી મુજબ ચૂકવવા અંગે વર્ષો પૂર્વે દરખાસ્ત રજૂ થઇ હતી. પરંતુ એ પ્રશ્ને આજ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નહીં. એ પછી સરકારે જંત્રીના દરમાં વધારો કર્યો એટલે હવે નવા ભાવે વળતરની રકમ રૂા.5.46 કરોડ ચૂકવવાની દરખાસ્ત રજૂ થઇ હતી અને આ જમીનનું વળતર જુની જંત્રી પ્રમાણે ચૂકવવાનું નક્કી થયું હતું. પરંતુ તેની ઉપર વ્યાજની રકમ પણ આપવા રજૂઆત થઇ હતી. પણ તેમાં પાછો એક નવો પ્રશ્ન ઊભો થયો છે કે આ જમીન વળતર અને વ્યાજની રકમ જમીન માલિકને ચૂકવવી કે પછી હવે આ જમીન પર મકાનો બંધાઇ ગયા છે જેથી ત્યાંના રહીશોને ચૂકવવી?
દંતેશ્વરની જમીનના વળતર અંગેની આ દરખાસ્ત વિવાદીત હોવાથી છેલ્લા ત્રણ વખતથી મુલત્વી રાખવામાં આવતી હતી. હવે ચોથીવાર આની આજ દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડામાં ચઢાવાઇ છે. સ્થાયી સમિતિની ગત બેઠકમાં વર્ષ 2011પહેલાંની જંત્રી પ્રમાણે નાણાં ચૂકવવા અંગે ભાજપની સંકલન સમિતિમાં ચર્ચા થઈ હતી બીજો પ્રશ્નએ પણ છે કે જમીન માલિકે પોતે અરજી કર્યાની તારીખથી વ્યાજ પણ મળવું જોઇએ તેવી માંગણી કરી છે. ટૂંકમાં છેલ્લા લગભગ 12 વર્ષથી દંતેશ્વરની સંપાદિત કરાયેલી જમીનના વળત૨નો વિવાદ ચાલી રહ્યો છે. તેમાં હવે નવા નવા બીજા પ્રશ્નો વિવાદને વધુ ઘેરો બનાવી રહ્યા છે.