Get The App

વડોદરામાં તરસાલી-કારવણ વચ્ચે નાળા પર નવો જ બનાવેલો રસ્તો બેસી જતા વિવાદ

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં તરસાલી-કારવણ વચ્ચે નાળા પર નવો જ બનાવેલો રસ્તો બેસી જતા વિવાદ 1 - image

વડોદરા,તા.26 માર્ચ 2024,મંગળવાર

વડોદરા શહેરના સીમાડે આવેલા તરસાલીથી કારવણ સુધી બની રહેલા રોડનું કામ પૂરું થાય એ પહેલા જ નાળા પરનો રોડ બેસી જતા વિવાદ સર્જાયો છે. રૂ.33 કરોડના ખર્ચે બની રહેલો રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને રૂ.29 કરોડ ચૂકવાઈ પણ ગયા છે. ત્યારે હવે આ નાળું કોણ બનાવશે તે જોવાનું રહે છે.

રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોને એક બીજા સાથે જોડવા રોડ બનાવવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ તંત્રની નિષ્કાળજી કહો કે ઈચ્છા શક્તિનો અભાવ, સરકારના પ્રયાસો પૂર્ણ પણે સફળ થતા નથી. વડોદરા શહેરના સીમાડે આવેલા તરસાલી થી કારવણ સુધી 19 કિલોમીટરનો નવા બની રહેલો રોડ પૂર્ણતાને આરે છે. આ રોડ બનાવવાનો કુલ ખર્ચ રૂ.33 કરોડ છે. નવા બની ગયેલા રોડ પર રુંવાદ ગામ પાસે નાળા પરનો રોડ બેસી ગયો છે. નાળા ઉપરનો રોડ લગભગ છ ઈંચ જેટલો બેસી જતાં વાહન ચાલકોએ વાહન ધીમા કરી પસાર થવું પડે છે. રોડ એવી રીતે બેસી ગયો છે કે નાળા પર સળિયા દેખાવા માંડ્યા છે. અહીં મહત્વનુંએ છે કે રોડનું કામ હજી પૂરું થયું નથી એ પહેલા બની ગયેલો રોડ બેસી જતાં રોડની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સત્તાવાળાઓનું કહેવું છે કે,બેસી ગયેલા રોડનું નાળુ ગ્રામ પંચાયતે છ વર્ષ પહેલા બનાવેલું છે એટલે નાળું જૂનું છે જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ રોડ કામ સ્પાયરલ કન્સ્ટ્રાશન કોર્પોરેશન કરી રહ્યું છે અને કોન્ટ્રાકટર વેરાવળના છે. રૂ.33 કરોડના કામમાં અત્યાર સુધી કોન્ટ્રાક્ટરને રૂ.29 કરોડ ચૂકવાઈ ગયા છે. હજી થોડું કામ બાકી છે. નાળાનો ભાગ બેસી જતાં હવે એ સમારકામ માટે જે ખર્ચ થશે એ કોણ ભોગવશે ? આમાં કોન્ટ્રાકટરની ભૂલ નથી નાળુ છ વર્ષ જૂનું છે એટલે સમારકામનો તમામ ખર્ચ સીટી રોડ એન્ડ બિલ્ડીંગ શાખા ચૂકવશે. તેમ સત્તાવાળાઓનું કહેવું છે. 

અત્રે નોંધનીય છે કે નાળુ છ વર્ષ જૂનું છે એ રોડ બનાવતા પહેલા ખબર કેમ ના પડી ? રોડ બનાવતા પહેલા નાળાની મજબૂતાઈની ખાત્રી કેમ કરવામાં આવી નથી નવો રોડ બનાવતા પહેલા શું સ્થળનો સર્વે નહીં કરવામાં આવ્યો નથી તેમ સ્પષ્ટ જણાઈ આવે છે આવા નુકસાન માટે  કોણ જવાબદાર ? રોડ બને એ પહેલા રોડ બેસી જતો હોય તો ચોમાસામા આ રોડની પરિસ્થિતિ શું થશે તે તો સમય જ બતાવશે.


Google NewsGoogle News