વિવાદાસ્પદ બિલ્ડર સંજુ ભારંબે કોર્ટની મંજૂરી વગર વિદેશ નહીં જઇ શકે
જામીનની શરતોમાં મુક્તિ આપવાની સંજુ ભારંબેની અરજી કોર્ટે નામંજૂર કરી
વડોદરા : વિવાદાસ્પદ બિલ્ડર સંજુ ભારંબેએ વિદેશ જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતમાંથી મુક્તિ આપવા માટે કરેલી અરજી વડોદરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. ૧૭ વર્ષ જુના એક કેસમાં સંજુની આગોતરા જામીન અરજી મંજૂર કરતી વખતે કોર્ટે શરત મુકેલી હતી કે વિદેશ જવા માટે કોર્ટની મંજૂરી લેવી. આ શરત રદ્ કરવા માટે સંજુએ અરજી કરી હતી.
મારપીટ અને ધાકધમકીના કેસમાં કોર્ટે પાસપોર્ટ જમા કરાવવા અને વિદેશ જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મંજૂર કર્યા હતા
આ કેસમાં સંજુ ભારંબેએ કોર્ટમાં અરજી કરીને કહ્યું હતું કે વેપારના કામે વારંવાર વિદેશ જવાનું થાય છે. દરેક વખતે કોર્ટની મંજૂરી લેવામાં સમય બગડે છે માટે કોર્ટની મંજૂરી માટેની શરતમાં મુક્તિ આપવામાં આવે. જો કે સરકારી વકીલે દલીલો કરી હતી કે બિઝનેસમેન હોવાથી ગુનાની ગંભીરતા ઓછી થતી નથી. આરોપી જો વિદેશ જતો રહેશે તો ટ્રાયલમાં હાજર નહી રહે અને આરોપીને વિદેશ જવુ જરૃરી હોય ત્યારે કોર્ટ મંજૂરીથી જઇ શકે છે. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને સંજુ ભારંબેની અરજીને નામંજૂર કરી હતી.