કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરનું બંધ મકાનમાં આગના ધુમાડાથી ગૂંગળાઇ જતા મોત
.કોન્ટ્રાક્ટર ભારે ઘેનમાં હોવાથી દરવાજો ખોલીને મકાનની બહાર પણ ના નીકળી શક્યો
મકાનમાંથી દારૃની ખાલી બોટલો મળી આવી
વડોદરા,મકરપુરાની પવનધામ સોસાયટીમાં રહેતો ૨૮ વર્ષ કોન્ટ્રાક્ટરની લાશ દાઝી ગયેલી હાલતમાં મળી આવી હતી. જે અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડેડબોડી પી.એમ. માટે મોકલી આપી હતી. જોકે, મોતનું પ્રાથમિક તારણ ગૂંગળામણ હોવાનું તારણ જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, આજે સવારે મકરપુરા વિસ્તારના પવનધામ સોસાયટીમાં રહેતા નિકુંજ જગદીશભાઇ પુરોહિતના મકાનમાંથી ધુમાડા નીકળતા પાડોશી દ્વારા પોલીસ કંટ્રોલ રૃમ તથા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મકાનનો દરવાજો બંધ હતો. દરવાજો તોડીને તેમણે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. નિકુંજની લાશ પલંગથી થોડે દૂર દાઝી ગયેલી હાલતમાં જમીન પરથી મળી આવી હતી.
બનાવ અંગે મકરપુરા પોલીસે સ્થળ પર પહોંચી લાશને પી.એમ.માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. ડોક્ટરના પ્રાથમિક તારણ મુજબ, ૨૮ વર્ષનો નિકુંજનું મોત ગૂંગળામણથી થયું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેરા એફ.એસ.એલ.માં મોકલી આપવામાં આવ્યા છે.
મકાનમાં આગ કઇ રીતે લાગી ? આગ લાગી ત્યારે નિકુંજ દરવાજો ખોલીને બહાર કેમ ના નીકળ્યો ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા એવી વિગતો જાણવા મળી હતી કે, નિકુંજના પલંગ પાસેથી સીગારેટના ઠૂંઠા મળી આવ્યા હતા. નિકુંજ ભારે ઘેનમાં હોવાના કારણે આગે વિકરાળ સ્વરૃપ ધારણ કરી લીધા સુધી તે જાગ્યો નહતો. અને જ્યારે જાગ્યો ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ, ભારે ઘેનના કારણે તે દિવાલ સાથે અથડાઇને નીચે પટકાયો હોઇ શકે. ઉલ્લેખનીય છે કે, ઘરમાંથી પોલીસને દારૃની ખાલી બોટલો પણ મળી આવી હતી.નિકુંજ કોર્પોરેશનના ટેન્ડર ભરીને કન્સટ્રક્શનનું કામ કરતો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
નિકુંજનો પલંગ અને ગાદલું સળગી ગયા હતા
વડોદરા,નિકુંજના પિતા એરફોર્સમાં હતા.અને ચાર મહિના પહેલા જ તેઓનું અવસાન થયું છે. જ્યારે તેની માતાનું પણ અગાઉ અવસાન થયું હતું. નિકુંજના લગ્ન થયા નહી હોવાથી તે એકલો જ રહેતો હતો.દરમિયાનમોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે એફ.એસ.એલ.ની મદદ લીધી છે. જોકે, પ્રાથમિક તપાસ દરમિયાન કેરોસીન કે અન્ય કોઇ જ્વલનશીલ પ્રવાહીની હાજરી મળી આવી નથી. નિકુંજનો પલંગ અને ગાદલું સળગી ગયા હતા.જેથી, આગ સીગારેટ કે પછી શોર્ટ સર્કિટથી લાગી હોવાની શક્યતા સેવાઇ રહી છે.