MSUમાં 500 જેટલા હંગામી કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ 30 નવેમ્બર સુધી લંબાવાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરવાના ભાગરુપે યુનિવર્સિટી સત્તાધીશોએ ૫૦૦ જેટલા હંગામી કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સીમાં ટ્રાન્સફર કરવાના લીધેલા નિર્ણયની સામે કર્મચારી આલમમાં ભારે નારાજગી છે.
આમ તો સત્તાધીશોએ આ જ મહિનાથી આ કર્મચારીઓને એજન્સીમાં ટ્રાન્સફર કરી દેવાનું નક્કી કર્યું હતું પણ તેની સામે કર્મચારીઓમાં ભારે નારાજગી છે.જેના પગલે સત્તાધીશોએ કામચલાઉ પીછેહઠ કરી છે.આ કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ તા.૩૦ નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે.
યુનિવર્સિટી વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આગામી દિવસોમાં પદવીદાન સમારોહ યોજાય તેવી શક્યતા છે અને આ સમારોહ ટાણે કર્મચારીઓ વિરોધ અને ઉહાપોહ ના કરે તે માટે આ નિર્ણય લેવાયો છે.એવુ પણ કહેવાઈ રહ્યું છે કે, આઉટસોર્સિંગ એજન્સીમાં ટ્રાન્સફર થયા બાદ કર્મચારીઓનો પગાર ઉલટાનો ઓછો થઈ જશે અને તેની સામે કેટલાક ફેકલ્ટી ડીનોએ પણ વાંધો ઉઠાવ્યો છે અને આ નિર્ણય પર પુનઃ વિચારણા કરવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
જાણકારોનું જોકે કહેવું છે કે, એક વખત કોન્વોકેશન પૂરુ થયા બાદ કર્મચારીઓને આઉટસોર્સિંગ એજન્સીના હવાલે કરી દેવાશે.કારણકે વાઈસ ચાન્સલેર ડો.શ્રીવાસ્તવ સરકારનો આદેશ હોવાથી કોઈ પણ સંજોગોમાં આ કર્મચારીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરવા માંગે જ છે.બીજી તરફ હંગામી કર્મચારીઓ આઉટસોર્સિંગ એજન્સીમાં જવા તૈયાર નથી અને તેના કારણે ૯૦ ટકા કર્મચારીઓએ હજી સુધી એજન્સીના ફોર્મ પણ ભર્યા નથી.
વિજિલન્સ ઓફિસર અને સેનેટ સભ્ય વચ્ચે તડાફડી
હેડ ઓફિસના પ્રાંગણમાં ઈન્ટરવ્યૂ આપતા સેનેટ સભ્યને અટકાવાયા
આઉટસોર્સિંગ માટે સંમતિ નહીં આપનારા કર્મચારીઓને ધમકાવાઈ રહ્યા હોવાનો આક્ષેપ
આઉટસોર્સિંગના નિર્ણયનો વિરોધ કરી રહેલા સોશ્યલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્ય અને વિજિલન્સ ઓફિસર વચ્ચે આજે યુનિવર્સિટી હેડ ઓફિસના પ્રાંગણમાં જ તડાફડી થઈ હતી.
સેનેટ સભ્ય કપિલ જોષીએ કહ્યું હતું કે, આજે હેડ ઓફિસના પ્રાંગણમાં હું આઉટસોર્સિંગના વિરોધ મુદ્દે ઈન્ટરવ્યૂ આપી રહ્યો હતો ત્યારે વિજિલન્સ ઓફિસર એસ કે વાળાએ આવીને મને કહ્યું હતું કે, તમે અહીંયા ઈન્ટરવ્યૂ આપી શકો નહી.યુનિવર્સિટી કોઈ ખાનગી સંસ્થા નથી અને આ પ્રકારનો કોઈ નિયમ જ નથી.આ યુનિવર્સિટી સત્તાધીશોની ખાનગી પેઢી નથી.જો હું બે ટર્મથી સેનેટ સભ્ય છું અને મારી સાથે જો આવો વ્યવહાર થતો હોય તો વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે વિજિલન્સ ઓફિસર કેવું વર્તન કરતા હશે તે કહેવાની જરુર નથી.
તેમણે જણાવ્યું હતું કે, આઉટસોસિંગ એ ભ્રષ્ટાચારની નદી છે અને સરકારના લાગતા વળગતા લોકોને આ કોન્ટ્રાક્ટ વાઈસ ચાન્સેલરે આપ્યો છે.માંડ ૧૫૦૦૦નો પગાર મેળવતા હંગામી કર્મચારીઓના ભોગે કોન્ટ્રાકટરને ફાયદો થશે.જે કર્મચારીઓ આઉટસોર્સિંગ માટે ધમકી નથી આપી રહ્યા તેમને સત્તાધીશો દ્વારા ધાક ધમકી આપવામાં આવી રહી છે.