વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી 11 શાળાના નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલુ

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ પૈકી 11 શાળાના નવા મકાનનું નિર્માણ કાર્ય ચાલુ 1 - image


- એકાદ વર્ષ બાદ કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા

- બે શાળાના મકાન છ મહિનામાં મળી જાય તેવી ધારણા

- 11 માંથી નવ મકાનનું કામ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ થઈ રહ્યું છે

વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 121 શાળામાં 38,000 થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાઓના ઘણા મકાનો જુના થઈ ગયા હોવાથી રીપેરીંગ માંગી રહ્યા છે. જ્યારે કેટલીક શાળાના મકાનો નવા બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં શાળાના 11 મકાનોનું કામકાજ ચાલુ છે, જે લગભગ એકાદ વર્ષ બાદ પૂર્ણ થઈ જશે તેવી ધારણા છે. આ 11 મકાનોમાંથી નવ મકાનનું કામ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ થઈ રહ્યું છે, જ્યારે બે મકાનનું કામ સીએસઆર હેઠળ થતું હોવાનું જાણવા મળ્યું છે. 11 મકાનમાંથી મહારાણી શાંતાદેવી સ્કૂલ તથા કવિ સુંદરમ્ સ્કૂલનું મકાન છ મહિનામાં મળી જાય તેવી ધારણા છે. હાલ નિઝામપુરા, અટલાદરા, ફતેપુરા, વાઘોડિયા રોડ, ખોડીયાર નગર, નિઝામપુરા વગેરે સ્થળે મકાનની કામગીરી ચાલુ છે.

આ ઉપરાંત શાળાના ચાર બિલ્ડિંગ તોડીને નવા બનાવવામાં આવનાર છે. જેમાં બે તોડી નાખવામાં આવ્યા છે અને બેનું હજી તોડવાનું કામ બાકી છે. હજુ ગયા અઠવાડિયે જ  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન, શાસનાધિકારી તેમજ નિરીક્ષકોની ટીમ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા, અટલાદરા ખાતે નિર્માણ થઈ રહેલ શાળાના નવા મકાનની કામગીરી અંગે નિરીક્ષણ કરવા ગયા હતા. જ્યાં શાળાના આચાર્ય અને કોન્ટ્રાકટરને મળીને મકાનના થઈ રહેલી કામગીરી સંદર્ભે ચર્ચા કરી હતી અને વેળાસર કામ પૂર્ણ કરવા કહ્યું હતું. અહીં એક એનજીઓના સહકારથી સી.એસ.આર ફંડ હેઠળ શાળાના મકાનની કામગીરીનું બાંધકામ ચાલુ છે. અહીં ત્રણ શાળા ચાલે છે. સવારે ગર્લ્સની, બપોરે બોયઝ ઉપરાંત સવારે હિન્દી શાળા ચાલુ છે. આ મકાનનું કામ કરવા માટે જે કરાર કરાયો હતો તેમાં 18 મહિનાની અવધિ અપાઈ હતી. હજુ એકાદ વર્ષ કામ ચાલે તેવી ધારણા છે. હાલ શાળાના કેમ્પસમાં જે બાંધકામ થઈ રહ્યું છે તેનું હોદ્દેદારોએ નિરીક્ષણ પણ કર્યું હતું.


Google NewsGoogle News