જમીન વિવાદમાં કન્સ્ટ્રક્શન કંપનીના મેનેજર અને કર્મચારી ઉપર હુમલો
ગાંધીનગર નજીક આવેલા ઝૂંડાલમા
મહિલા સહિત પાંચ સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો : અગાઉ લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ થઈ હતી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ઝૂંડાલ ગામની સીમમાં ચાલી રહેલા જમીન વિવાદમાં ગઈકાલે બિલ્ડર્સ ભાગીદારી પેઢીના મેનેજર કર્મચારીઓ સાથે જમીનની સફાઈ માટે ગયા હતા તે દરમિયાન ઝુંડાલમાં રહેતા મહિલા સહિત પાંચ જેટલા વ્યક્તિઓએ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. જે સંદર્ભે હાલ અડાલજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના બોડકદેવ ખાતે રહેતા અને માનવ બિલ્ડર્સ ભાગીદારી પેઢીમાં મેનેજર તરીકે
ફરજ બજાવતા શ્રેયસભાઇ જિતેન્દ્રભાઇ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે ,પેઢીનાં
ભાગીદારોએ વર્ષ ૨૦૦૯માં ઝૂંડાલ ગામની સીમના સર્વે નંબર ૧૯૧/૪ હે.આરે.ચો.મી ૦-૨૯-૩૪
વાળી જગ્યા ખરીદેલ હતી. બાદમાં માનવ બિલ્ડર્સને વેચાણ આપી હતી. બાદમાં ૨૦૨૦માં આ
જમીનના જુના ખેડૂતો પૈકી મંજુલાબેન રણછોડભાઇ પ્રજાપતિએ કોર્ટમા તથા રેવન્યુ
વિભાગમા હક્ક દાવો કર્યો હતો. જે ચુકાદો પેઢી તરફેણમાં આવ્યો હતો, તેમ છતાં
મંજુલાબેન રણછોડભાઇ પ્રજાપતિ તથા તેઓના દિકરા જિતુભાઇ, શૈલેષભાઇ તથા
સબંધી કિરીટભાઇ મંગાભાઇ પ્રજાપતિ,
વિષ્ણુભાઇ રબારી, રમેશભાઇ
રબારી, સતિષભાઇ
પટેલ અને સંજયભાઇ કિરીટભાઇ પ્રજાપતિ જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરવાનો પ્રયત્ન
કરતા હોવાથી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પણ અડાલજ પોલીસ મથકે કરવામાં આવી હતી.આ
દરમિયાન ગઈકાલે શ્રેયસભાઇ જમીનની સાફ સફાઈ અર્થે પેઢીના એક્ઝીક્યુટીવ લીગલ
ડિપાર્ટમેન્ટમા ફરજ બજાવતા રોનક નવીનચંદ્ર મણીયાર તથા આદિત્ય પરેશભાઇ દવે તેમજ
સિક્યોરિટીના આઠ માણસો સાથે ગયા હતા. તે વખતે મંજુલાબેન અને તેમના દીકરાઓ ગાળાગાળી
કરવા લાગ્યા હતા અને રમેશભાઈ વેરશીભાઈ દેસાઈ,
વિષ્ણુભાઇ દેસાઇ બંને રહે. બોડકદેવ દસેક ઈસમોને સાથે આવીને લોખંડની પાઇપો અને
લાકડીઓ વડે હૂમલો કર્યો હતો. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી
હતી.