Get The App

ચાંણોદ પોલીસ સ્ટેશનનો જમાદાર રૃા.૩૫ હજારની લાંચ લેતા ઝડપાયો

દારૃની બે બોટલનાં કેસમાં એકની ધરપકડ બાદ બીજાની ધરપકડ કરી હેરાન નહી કરવા રૃા.૪૦ હજાર માંગ્યા હતાં

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
ચાંણોદ પોલીસ સ્ટેશનનો જમાદાર રૃા.૩૫ હજારની લાંચ લેતા ઝડપાયો 1 - image

ચાંણોદ તા.૯ ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંણોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ મોતી વજાભાઇ રબારી દારૃના એક કેસમાં રૃા.૩૫ હજારની લાંચ લેતા પોલીસ સ્ટેશનના ઇન્ટ્રોગેશન રૃમમાં જ એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે તા.૨૨ નવેમ્બરના રોજ કરણેટ વસાહત-૧થી પોર તરફ જતાં તેનતલાવ કેનાલ પાસેથી  ચાંણોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરેશભાઇએ એક શખ્સને દારૃની બે બોટલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તે સમયે દારૃની બોટલ લઇને જતા શખ્સ અને તેના પિતરાઇ ભાઇ સામે દારૃનો કેસ કર્યો હતો. આ કેસ બાદ દારૃ સાથે ઝડપાયેલો શખ્સ જામીન પર છૂટી ગયો હતો જ્યારે તેનો પિતરાઇ ભાઇની ધરપકડ બાકી હતી.

આ કેસની તપાસ કોન્સ્ટેબલ મોતી વજાભાઇ રબારી (રહે.સુખપર શક્તિનગર, તા.હળવદ, જિલ્લો મોરબી) કરતા હતાં જેથી મોતી રબારીએ દારૃના કેસમાં અન્ય ફરાર આરોપીને પોલીસ સ્ટેશનમાં હાજર કરવા માટે તેમજ માર નહી મારી હેરાન નહી કરવા માટે રૃા.૪૦ હજારની લાંચ માંગી હતી. આ રકમ વધારે હોવાથી રકઝકના અંતે રૃા.૩૫ હજાર આપવા તેમ નક્કી થયું  હતું. દરમિયાન લાંચ અંગેની ફરિયાદ એસીબીમાં આપતા છોટાઉદેપુરના પીઆઇ કે.એન.રાઠવાએ સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું.

લાંચની આ રકમ આપવા માટે અગાઉ ઝડપાયેલો શખ્સ પોલીસ સ્ટેશનમાં ગયો હતો અને ઇન્ટ્રોગેશન રૃમમાં પ્રાથમિક વાત કર્યા બાદ કોન્સ્ટેબલ મોતી રબારીને રૃા.૩૫ હજાર લાંચની રકમ આપતાં જ એસીબીએ તેને તુરંત જ લાંચની રકમ સાથે ઝડપી પાડયો હતો. આ અંગે એસીબીએ ભ્રષ્ટાચાર અધિનિયર હેઠળનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




Google NewsGoogle News