બોગસ પેઢીનામું બનાવીને જમીન પચાવવાનું કાવતરું
મહિલાને ત્રણ સંતાનો હોવા છતાં નિઃસંતાન મૈયત બતાવી વારસાઇ કરાવી
વડોદરા, તા.1 વડોદરા નજીક આવેલા કનકોઇ ગામે મૃત ફોઇને નિઃસંતાન બતાવી આશરે એક કરોડ રૃપિયાની જમીનમાં વારસાઇ કરાવવા માટે બોગસ પેઢીનામું બનાવ્યું હોવાની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વાઘોડિયા તાલુકાના ખંધા ગામમાં નિશાળ ફળિયામાં રહેતા ભરત જયકિશનદાસ સાધુએ વરણામા પોલીસ સ્ટેશનમાં નંદકિશોર રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ (રહે.મેઘાકૂઇ, તા.જી. વડોદરા, હાલ, ચોરા ફળિયું, હાથજ, જિલ્લો ખેડા), ગોપાલ કાંતિલાલ પાવા (રહે.ઠાકોર ફળિયું, કનકોઇ) તેમજ કનુ અંબાલાલ પટેલ (રહે.પટેલ ફળિયું, કનકોઇ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છેકે મારા નાનાની માલિકીની કનકોઇ ગામની સીમમાં ૧૦૪૨૧૦ ચો.ફૂ. જમીન ખેતીની આવેલી છે.
મારા નાની કમળાબેન તેમજ મારી માતા લલિતાબેન ગુજરી જતાં મારા મામાના પુત્ર નંદકિશોરે મને તેમજ મારા અન્ય ત્રણ ભાઇઓને અંધારામાં રાખીને તા.૨૨ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ બોગસ પેઢીનામું બનાવ્યું હતું જેમાં મારી માતા લલિતાબેનને મૈયત દર્શાવી તેમના ત્રણ વારસદારો હોવા છતાં નામો દર્શાવ્યા ન હતાં અને પેઢીનામું નોટરી કરી તેના આધારે જમીનમાં વારસાઇ કરાવી લીધી હતી અને તેમાં ગોપાલભાઇ તેમજ કનુભાઇએ સાક્ષી તરીકે સહિ કરી હતી. આની જાણ મોડી થતાં હાલ અમે એસડીએમમાં અપીલ કરી છે.