અકસ્માત નહી, કાવતરાની શંકા : પિકઅપ વાનની ટક્કરે જૈન સાધ્વીજી કાળધર્મ પામ્યા
પોલીસ આવે તે પહેલાં પિકઅપ વાનનો માલિક ફરાર, ક્લિનર હોટલના એ.સી.રૃમમાંથી ઝડપાયો
પાલેજ નજીક પિકઅપ વાને ટક્કર મારતા જૈન સાધ્વીજી પર્વાદિરત્નાજી કાળધર્મ પામ્યાં : કરજણમાં અંતિમ સંસ્કાર થયા
વડોદરા :પાલેજથી આજે વહેલી સવારે ૬.૩૦ વાગ્યે વિહાર કરીને રામસૂરિશ્વરજી સમુદાયના આચાર્ય ઉદયરત્નસૂરિશ્વરજીનો સંઘ વડોદરા માંજલપુર જૈન સંઘમાં આવી રહ્યો હતો ત્યારે પાલેજ નજીક દેથાણના પાટિયા પાસે એક બોલેરો પિકઅપ વાને હાઇવેની સાઇડમાં વિહાર કરી રહેલાં સંઘના યુવા સાધ્વીજી પર્વાદિરત્નાજીને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલાં જ સાધ્વીજી કાળધર્મ પામ્યા હતાં
પોલીસ અને વિહાર સંઘના યુવાનોની હાજરીમાં જ દુર્ઘટના સર્જાઇ, સાધ્વીજીએ દોઢ વર્ષ પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી હતી : પાલેજથી વિહાર કરીને ઉદયરત્નસૂરિજીનો સંઘ વડોદરા માંજલપુર આવી રહ્યો હતો
અકસ્માત સર્જનાર પિકઅપ વાન |
અકસ્માત નહી, પૂર્વ આયોજિત કાવતરું હોવાની શંકા : વિહાર સંઘના યુવકોએ પીછો કરીને પિકઅપ વાનને ઝડપી પાડી
પાલેજ નજીક પિકઅપ વાનની અટફેટે જૈન સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી કાળધર્મ પામ્યાં છે. આ ઘટના જૈન સમાજ માટે આઘાતજનક છે.અગાઉ પણ આવાં અનેક બનાવો બન્યા છે. આજની ઘટનમાં સાધ્વીજી હાઇ વે પર રોડથી બે ફૂટ દૂર ચાલતા હોવા છતાં પિકઅપ વાન હાઇવેથી નીચે ઉતરીને સાધ્વીજીને અડફેટે લે છે એ જોતા આ અકસ્માતનો બનાવ નથી પરંતુ પૂર્વ આયોજિત ષડયંત્ર હોવાની પૂરી શંકા છે એમ કરજણ જૈન સંઘના અગ્રણી મયુર શાહે કહ્યું હતું. મયુરભાઇ આજે સંઘ સાથે વિહારમાં સેવક તરીકે સાથે હતા અને તેમની નજર સામે જ આ દુર્ઘટના સર્જાઇ હતી.
મયુરભાઇ કહે છે કે, દુર્ઘટના બાદ પિકઅપ વાન લઇને ડ્રાઇવર ક્લિનર ફરાર થયા હતા અમે કારમાં તેમનો બે કિ.મી. પીછો કરીને એક હાઇવે હોટલ પાસે ઝડપી પાડયા હતા અને પિકઅપ વાનને હોટલના પાર્કિંગમાં લઇ ગયા હતા. અહીં પોલીસ આવે તે પહેલા ડ્રાઇવર કમ માલિક અકબરખાન બ્લોચ (રહે.હસનપુરા ડુંગરી, સાબરકાંઠા) અને ક્લિનર ભાગી ગયા હતા. પાછળથી પોલીસે ક્લિનરને હોટલના એ.સી.રૃમમાંથી ઝડપી પાડયો હતો.