વડોદરામાં આજવા સરોવરની વર્ષો જૂની પાણીની લાઈન ઉપર જ કોનોકાર્પસ ઝાડ વાવેલા છે
- આ ઝાડના મૂળ ઊંડે સુધી જઈ લાઈનને નુકસાન ન કરે તે પૂર્વે કાપી નાખવા માગણી
- જુદા જુદા વિસ્તારોમાં પર્યાવરણને હાનિકારક કોનોકાર્પસ કાપવાનું ચાલુ જ છે
- વૃંદાવન ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા સુધી ઝાડ કાપ્યા
વડોદરા,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાર પાંચ વર્ષ અગાઉ જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમાં મોટા પાયે કોનોકાર્પસના છોડ રોપવામાં આવ્યા હતા, જે આજે વિશાળ થઈ ગયા છે. પર્યાવરણને હાનિકારક આ ઝાડને કાપી નાખવા માંગણી થતાં કોર્પોરેશન દ્વારા હાલ તે કાપવાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વૃંદાવન ચાર રસ્તા થી પરિવાર ચાર રસ્તા સુધી રોડ ડીવાઇડરની વચ્ચે આવેલા આ ઝાડ આજે કાપવામાં આવ્યા હતા.
કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રોજ આ ઝાડ કાપવાનું ચાલુ જ છે. વડોદરા શહેરને પીવાનું પાણી આજવા સરોવરમાંથી મળે છે. આજવા સરોવરથી વડોદરા શહેર સુધી પાણીની ગાયકવાડી શાસન વખતની વર્ષો જૂની લાઈન છે. આજવાની આ પાણીની લાઈન રોડ ડિવાઈડરની નીચે જ છે. આ લાઈન આગળ પાણીગેટ અને તરસાલી તરફ જાય છે. આ લાઈન ઉપર જ ડિવાઇડર પર કોનોકાર્પસ ઝાડ વાવવામાં આવ્યા છે. ઝાડના મૂળ જમીન સુધી ઊંડે જાય છે, એટલે આ મૂળને લીધે પાણીની લાઈનને નુકસાન ન થાય તેને ધ્યાનમાં રાખીને ડિવાઈડર પરથી જેમ બને તેમ જલ્દી આ ઝાડ કાઢી નાખવા જોઈએ તેવી પણ માંગણી થઈ છે. લાઈનમાં લીકેજના જે બનાવો બને છે તે કદાચ આના કારણે પણ થતું હોવાનું આ શંકા છે. ઝાડના મૂળ જમીનમાં ઉંડે સુધી જતા હોવાથી ભૂગર્ભ જળ શોષી લે છે, વળી તે ઓક્સિજન આપતું નથી. ઝાડ પર્યાવરણને નુકસાન કારક છે. જેના પર પક્ષીઓ પણ માળો બાંધતા નથી. ડિવાઈડરની વચ્ચે ખૂબ ઊંચાઈ સુધી જતા હોવાથી સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ રોકી લે છે. પૂર્વ વિસ્તારમાં આવા ઝાડ સંખ્યાબંધ કાપી નાખવામાં આવ્યા છે, અને મૂળ સહિત ઉખેડીને ત્યાં નવા છોડ વાવવામાં આવશે .જો કે કોર્પોરેશન દ્વારા કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો પાસેથી આ ઝાડ સંદર્ભે મૂળ સહિત કાઢી નાખવા કે ચાર પાંચ ફૂટ સુધી રાખવા તે અંગે એક રિપોર્ટ મંગાવ્યો છે, એમ જાણવા મળ્યું છે. શહેરમાં એક અંદાજ મુજબ 20,000 થી વધુ આ ઝાડ વાવવામાં આવ્યા છે.