Get The App

કોર્પોરેશને લગાવેલા કોનોકાર્પસ વૃક્ષ થી અસ્થમા,એલર્જીના દર્દીઓને મુશ્કેલી,પર્યાવરણને પણ નુકસાન

ફોરેસ્ટ વિભાગે વિદેશી પ્રજાતિના કોનોકાર્પસ પર પ્રતિબંધ લગાવ્યો,લોકોમાં જાગૃતિ લાવશે

Updated: Sep 26th, 2023

GS TEAM


Google News
Google News
કોર્પોરેશને લગાવેલા કોનોકાર્પસ વૃક્ષ થી અસ્થમા,એલર્જીના દર્દીઓને મુશ્કેલી,પર્યાવરણને પણ નુકસાન 1 - image

વડોદરાઃ વડોદરા કોર્પોરેશન દ્વારા હજારોની સંખ્યામાં લગાવાયેલા વિદેશી પ્રજાતિના વૃક્ષ કોનોકાર્પસ હવે તંત્ર માટે માથાનો દુખાવારૃપ  બન્યા છે.ફોરેસ્ટ વિભાગ દ્વારા આ વૃક્ષના ઉછેર પર  પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વડોદરાને લીલુંછમ  બનાવવા માટે કોર્પોરેશન દ્વારા રસ્તાઓ પર,તળાવોની આસપાસ અને અન્ય સ્થળોએ હજારોની સંખ્યામાં વિદેશી પ્રજાતિના કોનોકાર્પસ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.જે હવે ખૂબ જ મોટા થઇ ગયા છે.આ વૃક્ષોનો વિકાસ ઝડપથી થતો હોવાથી તેની પસંદગી કરવામાં આવી હતી.

કોનોકાર્પસ વૃક્ષ મૂળ અમેરિકાના તટિય ક્ષેત્રોનું વૃક્ષ છે અને શરૃઆતમાં આરબ અને મધ્ય-પૂર્વ દેશોના રણને કારણે રેતી અને ગરમ હવા રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.આ વૃક્ષ શંકુ આકારમાં વધતું હોય છે.પરંતુ આ વૃક્ષની નકારાત્મકતા હવે બહાર આવી રહી છે.

આ વૃક્ષ માત્ર પર્યાવરણ માટે જ નહિં પણ માનવજાત માટે પણ જોખમી સાબિત થઇ રહ્યું છે.જેને કારણે તેના પર અનેક સ્થળોએ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.ગુજરાતના ફોરેસ્ટ વિભાગે પણ એક પરિપત્ર બહાર પાડી તમામ ફોરેસ્ટની કચેરીઓને આ વૃક્ષના રોપા ઉછેર અને વાવેતર બંધ કરી દેવા આદેશ આપવામાં આવ્યો છે.

કોર્પોરેશને લગાવેલા કોનોકાર્પસ વૃક્ષ થી અસ્થમા,એલર્જીના દર્દીઓને મુશ્કેલી,પર્યાવરણને પણ નુકસાન 2 - imageકોનોકાર્પસથી અસ્થમાના દર્દીઓને નુકસાનઃશરદી,ઉધરસ,એલર્જીની શક્યતા

ભૂગર્ભ જળ શોષી લે છે,મૂળ ઉંડા ઉતરતા હોઇ ડ્રેનેજ,પાણીની લાઇનોને નુકસાન

કોનોકાર્પસ વૃક્ષના અનેક ગેરફાયદા હોવાને કારણે આ વૃક્ષને તાકિદે અટકાવી દેવું હિતાવહ દેખાઇ રહ્યું છે.

કોનોકાર્પસવૃક્ષને કારણે અસ્થમાના દર્દીઓને નુકસાન હોવાનું તારણ નીકળ્યું છે. આ વૃક્ષના ફૂલોની પરાગરજને કારણે એલર્જી થતી હોય છે અને શરદી-ઉધરસના કેસો વધતા હોય છે.

પ્રાપ્ત વિગતો મુજબ,આ વૃક્ષના મૂળિયા ઝડપથી નીચે ફેલાત હોવાને કારણે પાણી, ગેસ, ડ્રેનેજ જેવી લાઇનો તેમજ રસ્તાઓને પણ નુકસાન થાય છે.જ્યારે આ વૃક્ષ ભૂગર્ભ જળ પણ વધુ શોષી લેતું હોય છે.

કોનોકાર્પસ વિશે લોકોમાં કોનાકાર્પસ વિશે લોકોમાં  જાગૃતિ લાવવા વનવિભાગ દ્વારા શિબિરો યોજાશે

પર્યાવરણ અને માનવજાત માટે જોખમી એવા કોનોકાર્પસ વૃક્ષની નકારાત્મક અસરો વિશે લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે.

ફોરેસ્ટ વિભાગના પરિપત્રમાં કોનોકાર્પસના ગેરફાયદા અંગે લોકોને સમજ આપવા માટે અધિકારીઓને તાકિદ કરવામાં આવી છે. આ માટે શિબિરો પણ કરવામાં આવનાર છે.

વડોદરાના આરએફઓ કરણસિંહ રાજપૂતે કહ્યું હતું કે,આ વૃક્ષને ઉછેરવાનું અમે બંધ કરી દીધું છે અને હવે પ્રશિક્ષણનું કામ કરવાના છીએ.તો બીજીતરફ કોર્પોરેશન દ્વારા આ વૃક્ષો કાપવામાં આવનાર હોવાની માહિતી મળી છે.

Tags :