કોનોકારપસ ભૂગર્ભ જળ ખેંચી લેવાની સાથે સાથે લોકોના આરોગ્ય માટે પણ જોખમી
વડોદરાઃ વડોદરા કોર્પોરેશને ૨૦૧૭માં શહેરના રસ્તાઓ વચ્ચેના ડિવાઈડરો પર મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ કોનોકારપસના ૨૦૦૦૦ પ્લાન્ટસ લગાવ્યા હતા.આ પ્લાન્ટસ હવે મોટા થઈ ગયા છે ત્યારે કોર્પોરેશનના સત્તાધીશોને ખ્યાલ આવ્યો છે કે, આ પ્લાન્ટસના ફાયદા કરતા ગેરફાયદા ઘણા વધારે છે.કોર્પોરેશને હવે કોનોકારપસને ઉખાડવાનુ શરુ કર્યુ છે.
એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના વરિષ્ઠ અધ્યાપક પ્રો.પી એસ નાગરે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, કોનોકારપસ વિદેશી છે.તે અરબાસ્તનની ધરતી પરથી ભારતમાં આવેલો પ્લાન્ટ છે.જે ઓછા પાણીમાં ઉગી શકે છે.કારણકે તેની પાસે ભૂગર્ભ જળને મોટા પાયે ખેંચવાની અને તેના પર ટકી જવાની ક્ષમતા છે.વડોદરામાં આ પ્લાન્ટસે ભૂગર્ભ જળનો મોટા પાયે વપરાશ કર્યો હશે.આ વિદેશી પ્લાન્ટ આપણા દેશી પ્લાન્ટને નજીકમાં ઉગવા દેતો નથી.કારણકે તેના ભાગનુ પાણી પણ તે વાપરી નાંખે છે.
પ્રો.નાગરના જણાવ્યા પ્રમાણે કોનોકારપસ લોકોના આરોગ્ય માટે પણ જોખમી છે.તેની પરાગરજના કારણે અસ્થમા અને એલર્જી થવાની શક્યતા છે.ઉપરાંત તેના મૂળીયા જમીનમાં ઝડપથી પ્રસરે છે.ડિવાઈડર પર હજારોની સંખ્યામાં તે ઉગાડવામાં આવ્યો હોવાથી ડ્રેનેજ લાઈનો તેના મૂળીયાના કારણે ચોકઅપ થાય તેવી સંભાવનાઓ પણ છે.ઉપરાંત પક્ષીઓ માટે આ પ્લાન્ટ નકામો છે.તેના પર તે ખોરાક માટે આધાર રાખી શકતા નથી.તેમણે કહ્યુ હતુ કે, કોર્પોરેશને આ પ્લાન્ટ રોપ્યા ત્યારે કેમ આ બાબતનો વિચાર ના કર્યો તે આશ્ચર્યજનક છે.જોકે હવે જ્યારે કોર્પોરેશનના સત્તાધીશોએ તેને કાઢી નાંખવાનુ નક્કી જ કર્યુ છે તો તેના વિકલ્પ તરીકે સ્વદેશી પ્લાન્ટસ પર પસંદગી ઉતારવી જોઈએ.ઘણા ભારતીય પ્લાન્ટસ એવા છે જેમને ઓછુ પાણી જોઈએ છે અને બહુ ઝડપથી ઉગી શકે છે.