ગ્રાહકો સ્માર્ટ મીટરો રિચાર્જ ના કરાવે તો પણ વીજ જોડાણો નહીં કપાય
વડોદરાઃ સરકારી વીજ કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં ઉભો થયેલો વિરોધ વંટોળ હવે રાજ્યના બીજા શહેરો સુધી પણ પહોંચી ચૂકયો છે.લોકો વીજ કંપનીઓ અને સરકાર પર માછલા ધોઈ રહ્યા છે.
હવે લોકોના રોષને ઠંડો પાડવા માટે વીજ કંપનીઓ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કરી રહી છે.મળતી વિગતો પ્રમાણે રાજયની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓએ હવે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે ત્યાં જો લોકો રિચાર્જ ના કરે તો પણ જોડાણ નહીં કાપવાનો નિર્ણય કર્યો છે.સ્માર્ટ મીટર જ્યાં પણ લાગ્યા છે તે તમામ ગ્રાહકોને જૂના મીટરના ગ્રાહકોને મળતી સુવિધાઓ આપવામાં આવશે.
વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી સ્માર્ટ મીટરમાં ગ્રાહકે રિચાર્જ ના કરાવ્યુ હોય તો ૩૦૦ રુપિયા સુધીની ક્રેડિટ આપવામાં આવતી હતી અને એ પછી પણ ગ્રાહક રિચાર્જ ના કરાવે તો વીજ જોડાણ કપાઈ જતુ હતુ પણ નવી જાહેરાત ના થાય અને નીતિ નિયમો પર પુનઃ વિચારણા ના થાય ત્યાં સુધી વીજ કંપનીઓ સ્માર્ટ મીટરો ધરાવતા ગ્રાહકો રિચાર્જ ના કરાવે તો પણ તેમના જોડાણ નહીં કાપે.
નવા વીજ મીટરો અને જૂના વીજ મીટરોમાં વીજ બિલની સરખામણી કરી શકાય તે માટે પાંચ ટકા ઘરોમાં ચેક મીટરો લગાવાશે.ચેક મીટરોની સંખ્યા નહીં વધારવામાં આવે.ઉપરાંત સ્માર્ટ મીટરો કાઢી નાંખીને જૂના મીટરો ફિટ કરવાની પણ હાલમાં કોઈ યોજના નથી અને એવો કોઈ નિર્ણય લેવાયો નથી.
જાણવા મળતી વિગતો પ્રમાણે સરકારની ચાર વીજ વિતરણ કંપનીઓના એમડીની ગઈકાલે એટલે કે સોમવારે બેઠક મળી હતી અને તેમાં ગ્રાહકોની ફરિયાદો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.