કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે માહિતી છુપાવતા પાસપોર્ટ સરન્ડર કરી દેવા સૂચના

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે માહિતી છુપાવતા પાસપોર્ટ સરન્ડર કરી દેવા સૂચના 1 - image


Image Source: Wikipedia

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર

વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર એકના કોંગ્રેસી કોર્પોરેટર હરીશ પટેલે પાસપોર્ટમાં તેમની સામેની પોલીસ ફરિયાદોની માહિતી છુપાવતા તેમજ પોલીસે પણ પોલીસ વેરિફિકેશન રિપોર્ટમાં (PVR) કોઇ ગુનો દાખલ થયો નથીની નોંધ લખી હોવાથી પાસપોર્ટ તો નીકળી ગયો, પણ તે બાદ વિવાદ સર્જાતા પાસપોર્ટ ઓફિસે હરિશ પટેલને પાસપોર્ટ સરન્ડર કરવા સૂચના આપતા તેમણે પાસપોર્ટ પરત જમા કરાવી દીધો છે.

છાણીના કોંગ્રેસી કોર્પોરેટર હરીશ પટેલને વિદેશ જવાનું હોવાથી પાસપોર્ટ કાઢવા તા.૧૯-૪-૨૦૨૩ના રોજ અરજી કરી હતી. જેમાં ગુનાઇત પ્રવૃત્તિ કે કોઇ પોલીસ ફરિયાદ છે કે નહીં તે અંગેનું ડેકલેરેશન ફોર્મ ભર્યું હતું તેમાં કોઇ ગુનો કે પોલીસ ફરિયાદ થઇ નથી તેમ જણાવી કેટલી માહિતી છુપાવી કે પછી શરતચૂકથી માહિતી લખી નહોતી. હરીશ પટેલના પાસપોર્ટના વેરિફિકેશન માટે છાણી પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ ઓફિસમાંથી માહિતી મંગાવવામાં આવી જેમાં છાણી પોલીસે પણ હરીશ પટેલ સામે કોઇ ગુનો નોંધાયો નથી તે પ્રમાણે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં મોકલી અપાયો હતો. છાણી પોલીસમાં જ હરીશ પટેલ સામે બેથી ત્રણ ફરિયાદ નોંધાઇ હોવાની પોલીસને જાણકારી હોવા છતાં રાજકીય દબાણ અથવા તો અન્ય કારણસર પોલીસે કોઇ નોંધ વગર પોલીસ વેરિફિકેશન રિપોર્ટ પાસપોર્ટ ઓફિસને મોકલી આપ્યો હતો.

માહિતી છુપાવવા બદલ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદ તરફથી હરીશ પટેલ અને છાણી પોલીસને પાસપોર્ટ સરન્ડર કરાવવા પત્ર મળતાની સાથે જ વિવાદ શરૂ થયો હતો. છેવટે હરીશ પટેલે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરતા વિવાદનો અંત આવ્યો છે.

ભૂલથી ખોટો PVR અપાયો હોવાની છાણી પોલીસે સ્પષ્ટતા કરી

કોંગ્રેસી કોર્પોરેટર હરીશ પટેલ સામે તા.૩૦-૯-૨૨ના રોજ રસ્તો ખુલ્લો કરાવવાના મુદ્દે ખેડૂતોને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ સહિત અન્ય એક-બે ફરિયાદો થઇ હતી. છતાં છાણીના પી.આઇ.એ પોલીસ વેરિફિકેશન રિપોર્ટમાં હિરેશ પટેલ સામે કોઇ ગુના દાખલ થયા નથીની નોંધ કરી હતી અને પાછળથી પી.આઇ.એ ભૂલથી ખોટો રિપોર્ટ અપાયો હોવાની પાસપોર્ટ ઓફિસને જાણ કરી હતી.

પી.આઇ.એ રૂબરૂ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીને મળી પોલીસ દ્વારા ભૂલથી ‘‘ક્લિન’’ પોલીસ વેરિફિકેશન રિપોર્ટ અપાયો છે તે રદ કરી પોલીસ ફરિયાદોની માહિતી સાથેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. પી.આઇ.ના આ નવા રિપોર્ટ બાદ પાસપોર્ટ ઓફિસેતા.૨૧-૬-૨૦૨૩ના રોજ હરીશ પટેલ અને છાણી પોલીસને પત્ર પાઠવી પાસપોર્ટ સરન્ડર કરવા સૂચના આપી હતી.


Google NewsGoogle News