સાહેબોની વાતો પર વિશ્વાસ કર્યો અને લોકોના રૂ.3 કરોડ પાણીમાં : કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સની તપાસ કરવા કોંગ્રેસ કોર્પોરેટરની માંગ
Vadodara News : વડોદરા લાલબાગ-કાશી વિશ્વનાથ તળાવમાંથી વરસાદી પાણીના વિશ્વામિત્રી નદીમાં નિકાલ અંગે બનાવવામાં આવેલી વરસાદી કાંસમાંથી પાણી જતું નહીં હોવાનો ચોકાવનારો આક્ષેપ કરીને સ્થાનિક કોર્પોરેટરે સાહેબના ભરોસે રહ્યા અને તંત્રના રૂ.3 કરોડ જેટલા પાણીમાં ગયા હોવાનો આક્ષેપ કરીને કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે લાલબાગ-કાશી વિશ્વનાથ પાસેના તળાવમાં પ્રતિ વર્ષ વરસાદી પાણી ભરાય છે અને આસપાસની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળે છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવાથી તળાવના પાણીના નિકાલ અંગે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ રૂપિયા 2.80 કરોડના ખર્ચે બનાવવાનું કામ મંજૂર કરીને અમદાવાદના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
વરસાદી કાંસની કામગીરી અંગે સ્થાનિક કોર્પોરેટર વારંવાર ઘટના સ્થળે તપાસ માટે ગયા હતા. પરંતુ કામગીરી યોગ્ય રીતે નહીં થતી હોવા અંગે તેમણે મ્યુ.કમિ. સમક્ષ ફરિયાદો પણ કરી હતી. પરંતુ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમને આશ્વાસન આપવામાં આવતું હતું કે સ્થાનિક વિસ્તારમાં પ્રતિ વર્ષ પાણી ભરાતું હતું. પરંતુ આ વર્ષે એક ટીપું પણ પાણી કોઈ મકાનમાં ભરાશે નહીં તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ વરસાદી મોસમમાં આ વિસ્તાર વોર્ડ નં.13ની અનેક સોસાયટીઓમાં દિવસો સુધી ઘૂંટણસમા પાણી ભરાયેલા રહ્યા હતા.
જે અગાઉ વરસાદી પાણી માત્ર ગણતરીના કલાકોમાં ઉતરી જતું હતું. તપાસ દરમિયાન લાલબાગ તળાવથી બનાવાયેલી વિશ્વામિત્રી સુધીની વરસાદી કાસમાંથી બિલકુલ તળાવનું અને વરસાદી પાણી નહિ જતું હોવાનો ભાંડો ફૂટતા સ્થાનિક કોર્પોરેટર બાળુ સુર્વેએ અમદાવાદના કોન્ટ્રાક્ટર સામે વિજિલન્સ તપાસની માંગ કરી છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના આ કોન્ટ્રાક્ટરે સબ કોન્ટ્રાક્ટ અન્ય કોન્ટ્રાક્ટરને આપ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.