વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની નબળી વસુલાતનો કોંગ્રેસનો આક્ષેપ
વડોદરા,તા.26 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા કોર્પોરેશનની વિવિધ વોર્ડ કચેરીની આવકની નબળી વસુલાત થઈ રહી છે. વિવિધ વોર્ડ દ્વારા કુલ રૂપિયા 9,83,58,381ની વસૂલાત દંડનીય વ્યાજ સહિત કરવાની બાકી રહે છે તેમ પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમી રાવતનું જણાવવાનું છે.
કોર્પોરેશનની વિવિધ મિલકતો જેવી કે શોપિંગ સેન્ટર, વિવિધ દુકાનો-કેબીનો, હંગામી ઇમલા, સ્લમ ક્લીયરંસના મકાનો-ઇતર મકાનો વપરાશ હેતુ માટે ભાડેથી આપવામાં આવે છે. ખુલ્લી જગ્યાઓ, હોકીંગ ઝોન લારીઓના પરવાના આપવામા આવે છે. વોર્ડ કક્ષાએથી આવકોની સમયસર વસુલાત અને મિલકતોના નિયમન માટે વિવિધ રજીસ્ટર અને ફાઇલની નિભાવણી કરવી અત્યંત જરૂરી છે. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન ઓડિટ શાખાની ઝોનલ કચેરીઓ દ્વારા કરવામાં આવેલ જમા તપાસણીમાં અનેક અનિયમિતતા ધ્યાને આવેલ છે.
નિયત કરેલ નમુનામાં રજીસ્ટરની નિભાવણી સમયસર કરવામાં આવેલ નથી તેમજ અધિકારપરત્વે સહિ કરવામાં આવતી નથી. રજીસ્ટરની તમામ કોલમની વિગતો નહી ભરાતા જે તે મિલકતની અગાઉની બાકી, ચાલુ વર્ષની ડિમાન્ડ, થયેલ વસુલાત તથા બાકી વસુલાતની વિગતો અધુરી જણાય છે. રજીસ્ટરમાં સમયસર ડિમાન્ડ ચઢાવવામાં આવતી નથી તેમજ વસુલાતની કાર્યવાહી સમયસર થતી નથી. બાકી ડિમાન્ડ ઉપર વ્યાજની ગણતરી કરી વ્યાજની વસુલાત કરવામાં આવતી નથી. જી.એસ.ટી. ટેક્ષ ઇન્વોઇસ ઇસ્યુ કરવામાં આવતા નથી. જી.એસ.ટી.ની વસુલાત કરવામાં આવતી નથી. બાકી ભાડા/વ્યાજ વસુલાત અંગે આપેલ નોટીસની અલગથી ફાઇલ/રજીસ્ટર નિભાવવામાં આવતુ નથી. સ્થળ ઉપર કેબીન-લારીઓની અનુપસ્થિતિ હોય તેવા પ્રસંગે ડિમાન્ડ રદ કરવાના ઠરાવની કાર્યવાહી તેમજ તેની બાકી વસુલાતની કાર્યવાહી સમયસર થતી નથી. અમુક મિલકતોના કિસ્સામા છેલ્લા ઘણા વર્ષોથી વસુલાત થયેલ નથી. તેવી મિલકતોની સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી વસુલાતના કિસ્સા રિવ્યુ કરવા પાત્ર છે.