ટ્રાફિક જામ થતા મોપેડ ચાલક અને ઘોડા બગ્ગીવાળા વચ્ચે તકરાર
મોપેડ ચાલક અને બગ્ગીવાળાએ સામંસામે ફરિયાદ નોંધાવી
વડોદરા,વાડી મોગલવાડા વિસ્તારમાં ટ્રાફિક જામના કારણે થયેલી સામાન્ય બોલાચાલી પછી મોપેડ ચાલક તેના બે સાગરિતો સાથે ઘોડા બગ્ગીવાળાને ઘરે જઇને માર માર્યો હતો.
વાડી મોગલવાડા વિસ્તારમાં રહેતા ઝાકીરમીંયા ઉસ્માનમીંયા સૈયદ ઘોડા બગ્ગી ચલાવવાનો ધંધો કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે બપોરે હું મારી ઘોડા બગ્ગી લઇને વાડી ટાવર પાસે આવેલા શનિદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો.ત્યાંથી હું ંમારી બગ્ગી લઇને પરત આવતો હતો. મારા ઘર તરફ વળાંકમાં વાહનોથી ટ્રાફિક જામ થયો હતો. તે સમયે મોપેડ પર એક અજાણ્યો યુવક અને મહિલા આવતા હતા. મેં તેઓને હાથ બતાવી થોડીવાર ઉભા રહેવા માટે ઇશારો કર્યો હતો. જેથી, મોપેડ ચાલક મારી સાથે ઝઘડો કરીને જતો રહ્યો હતો. થોડીવાર પછી મોપેડ ચાલક અન્ય બે યુવકોને લઇને આવ્યો હતો. મારા મોબાઇલ પર એક નંબર પરથી કોલ આવ્યો હતો કે, તમે નીચે આવો. હું નીચે જતા મોપેડ ચાલક અને તેની સાથેના બે યુવકોએ ગાળો બોલી મને માર માર્યો હતો. તેમજ કમરમાંથી પટ્ટો કાઢી મને શરીરે તથા માથા પર માર માર્યો હતો. દરમિયાન મહોલ્લાના માણસો ભેગા થઇ જતા આરોપીઓ મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. વાડી પોલીસે મોબાઇલ નંબરના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ઇસ્માઇલ સુબરાતીશા દિવાને બગ્ગી ચાલક સહિત બે આરોપી સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અને મારા ફોઇની દીકરી મોપેડ લઇને આવતા હતા. ત્યારે સામેથી બગ્ગી લઇને આવતા વ્યક્તિએ મને મોપેડ પાછું લેવા કહેતા હું મોપેડ પાછું લેતો હતો. બગ્ગી ચાલકે મને કહ્યું કે, એ લુખ્ખે જલગી કર. જેથી,મેં બગ્ગી ચાલકને એવી રીતે વાત કરવાની ના પાડતા તેણે મને ગાળો બોલી ફેંટ મારી દીધી હતી. વાડી પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.