ભારતના વિકાસમાં પ્રાદેશિક ભાષાઓનો બહુ મોટો ફાળો છે,NEP પર કોન્ફરન્સ યોજાઈ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ભારતના વિકાસમાં પ્રાદેશિક ભાષાઓનો બહુ મોટો ફાળો  છે,NEP પર કોન્ફરન્સ યોજાઈ 1 - image

વડોદરાઃ કેવડિયા કોલોની( એકતા નગર)ના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે  રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ વિષય પર વેસ્ટ ઝોનની તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર્સ તેમજ નવી શિક્ષણ નીતિ માટેના કો ઓર્ડિનેટર્સની એક દિવસની કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં લગભગ ૨૦૦ જેટલી યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલર હાજર રહ્યા હતા.

આ કોન્ફરન્સમાં હાજર રહેલા કેન્દ્રના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ દેશભરમાં શિક્ષણ માટે એક વ્યાપક માળખુ સ્થાપિત કરવાનો છે.ભારતીય ભાષાઓનો ભારતના વિકાસમાં બહુ મોટો ફાળો રહ્યો છે.ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્ર ભાષા છે અને તેના કારણે નવી શિક્ષણ નીતિમાં પણ પ્રાદેશિક ભાષાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.સાથે સાથે સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગારલક્ષી શિક્ષણ પર પણ નવી નીતિમાં ભાર મુકાયો છે.ગુજરાતના બજેટમાં ૧૮૦૦ કરોડ રુપિયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે ફાળવવામાં આવ્યા છે તે વાત પ્રભાવિત કરનારી છે.સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ભારત અને ઈન્ડિયામાં કોઈ ફરક નથી.આપણા સંવિધાનમાં બંને નામને સ્વીકૃતિ આપવામાં આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતુ કે, નવી શિક્ષણ નીતિ ભારતને ગ્લોબલ એજ્યુકેશન હબ બનાવવામાં અને દેશના નિર્માણમાં મુખ્ય રોલ અદા કરશે.ગુજરાત સરકારે સર્વાંગી અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા માટેનો ૧૦ વર્ષનો રોડ મેપ તૈયાર કરી લીધો છે.શિક્ષણને વ્યક્તિ કેન્દ્રી નહીં બલ્કે કૌશલ્ય લક્ષી બનાવવા પર ભાર મુકાઈ રહ્યો છે.નવી શિક્ષણ નીતિ દેશના યુવાઓને આત્મનિર્ભર બનાવશે.ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને ઉચ્ચ તેમજ ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, આજે યોજાઈ રહેલી કોન્ફરન્સમાં જ્ઞાાન અને વિચારોનુ સમુદ્ર મંથન થઈ રહ્યુ છે.

સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્યનો આક્રોશ

કોન્ફરન્સની યજમાની કરનાર એમ.એસ.યુનિ.માં જ નવી શિક્ષણ નીતિના અમલના ઠેકાણા નથી 

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવી શિક્ષણ નીતિ પર વેસ્ટ ઝોનની તમામ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરની યોજાયેલી કોન્ફરન્સની યજમાની એમ.એસ.યુનિવર્સિટીએ કરી હોવાથી તમામ ફેકલ્ટી ડીન્સને છેલ્લા ચાર દિવસથી કામે લગાડવામાં આવ્યા હતા.દરમિયાન સોશિયલ વર્ક ફેકલ્ટીના રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ કેટેગરીના સેનેટ સભ્યનુ કહેવુ છે કે, શિક્ષણ નીતિની કોન્ફરન્સના નામે લાખો રુપિયાનો ધૂમાડો કરાયો છે અને બીજી તરફ ગુજરાતમાં શિક્ષણની વાસ્તવિકતા અલગ છે.યુનિવર્સિટીમાં કોરોનાકાળથી શરુ થયેલુ રિનોવેશન હજી પૂરુ થયુ નથી.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૫૦૦ કરતા વધારે જગ્યાઓ ખાલી છે.વિદ્યાર્થીઓને વોશરુમ, બેન્ચીસ જેવી પાયાની સુવિધાઓના પણ ફાંફા છે.ગુજરાતમાં ૨૦૦૦૦ શિક્ષકોની ઘટ છે.૧૩૦૦ પૈકી ૧૧૮૦ બિન શૈક્ષણિક કર્મચારીઓ હંગામી છે.

સેનેટ સભ્ય કપિલ જોષીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ૩૦ કરતા વધારે બેઠકો યોજાયા પછી પણ પહેલા વર્ષનો નવો સિલેબસ તૈયાર થયો નથી.યુનિવર્સિટીમાં ૧૧૧ પીએચડી સ્ટુડન્ટસના થિસિસ બે વર્ષથી કોઈ કારણ વગર ધૂળ ખાતા પડી રહ્યા છે.૧૫૦ કરતા વધારે મોંઘીદાટ ગાડીઓ ભાડે કરીને તમામ વાઈસ ચાન્સેલરને આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.



Google NewsGoogle News