વડોદરાના અટલાદરા તળાવનું પાણી ચોમાસામાં ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોની હાલત કફોડી બને છે

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના અટલાદરા તળાવનું પાણી ચોમાસામાં ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોની હાલત કફોડી બને છે 1 - image


- 6.19 કરોડના ખર્ચે વરસાદી ચેનલની કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થાય તો લોકોને રાહત મળે

વડોદરા,તા.18 માર્ચ 2024,સોમવાર

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અટલાદરા તળાવમાં દર ચોમાસામાં તળાવ ઓવરફ્લો થાય છે ત્યારે પાણી આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ફરી વળતા લોકોને ખૂબ હેરાનગતિનો સામનો કરવો પડે છે. લોકો દ્વારા આ તળાવનું પાણી ડાયવર્ટ કરવા અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી .જો કે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા તાજેતરમાં આ અંગે એક દરખાસ્ત મંજૂર કરવામાં આવતા તેનું કામ શરૂ થતાં લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે તેમ જણાઈ રહ્યું છે. આ કામગીરી માટે 6.19 કરોડનો ખર્ચ થવાનો છે. તળાવનું ઓવરફ્લો પાણી ડાઈવર્ટ કરવા માટે આશરે 1,350 મીટર લાંબી નવી વરસાદી ચેનલ બનાવવામાં આવનાર છે. અટલાદરા તળાવ ચોમાસાની ઋતુ દરમ્યાન વધુ વરસાદના સમયે ઓવરફ્લો થાય છે. ઓવરફ્લો પાણીના નિકાલ માટે વરસાદી ગટર ન હોવાથી ઓવરફ્લો પાણી રોડ ઉપર તથા આજુબાજુના રહેણાંક વિસ્તારમાં પ્રવેશતા લોકોના બેહાલ થઈ જાય છે. ઘણી વખત તો પાણી ઉતરે નહીં ત્યાં સુધી બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. રહેવાસીઓ ઉપરાંત અવર-જવર કરતાં નાગરીકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ સમસ્યાના  નિવારણ અર્થે  તળાવના ઓવરફ્લો પાણીના નિકાલ માટે નવી વરસાદી ગટર બનાવવી આવશ્યક ગણાવીને આ કામગીરી પૂર્ણ કરવા રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને અગાઉ સ્થળ સ્થિતિનો સલાહકાર પાસે સર્વે કરવામાં આવ્યો હતો. લોકોના કહેવા મુજબ કામ ચોમાસા પહેલા પૂર્ણ થઈ જાય તો તળાવના ઓવરફ્લો પાણીથી જળબંબાકારની સ્થિતિમાંથી લોકોને છુટકારો મળી જાય.


Google NewsGoogle News