કોમર્સ ફેકલ્ટીમાં કોમ્પ્યુટર લેબોરેટરી બનાવવાનું કામ ચાર વર્ષથી અટકયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં બીકોમનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોમ્પ્યુટર લેબોરેટરીની સુવિધાથી વંચિત છે.ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે કોમ્પ્યુટર લેબોરેટરી બનાવવા માટે શરુ થયેલી કામગીરીને પણ ચાર વર્ષ પહેલા બ્રેક મારી દેવામાં આવી હતી અને એ પછી લેબોરેટરી શરુ કરવાની કાર્યવાહી આગળ વધી જ નથી.
નવી શિક્ષણ નીતિમાં સ્કિલ ડેવલપમેન્ટ ુપર ભાર મુકવામાં આવ્યો છે.કોમર્સના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનુ પણ શિક્ષણ મળે તો તેમને ફાયદો થાય તેમ છે.આમ છતા કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો કોમ્પ્યુટર લેબોરેટરીની અધૂરી કામગીરીને પ્રાથમિકતા આપી નથી રહ્યા.
મળતી વિગતો પહેલા તત્કાલિન ડીન પ્રો.ડી એન નાયકના કાર્યકાળમાં પાંચ વર્ષ પહેલા કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગના પહેલા માળે બે ક્લાસ ભેગા કરીને તેને એક મોટી કોમ્પ્યુટર લેબોરેટરીમાં ફેરવી નાંખવાનો નિર્ણય લેવાયો હતો.બે ક્લાસ ભેગા કરીને કોમ્પ્યુટર લેબોરેટરીનુ માળખુ તૈયાર થઈ ગયુ છે.સાથે સાથે જરુરી વાયરિંગ, ટેબલો , ખુરશી, પાર્ટિશન પણ તૈયાર છે.જોકે છેલ્લા ચાર વર્ષથી લેબોરેટરી બનાવવાની કામગીરી અધવચ્ચે જ અટકાવી દેવામાં આવી છે.
એ પછી વિદ્યાર્થીઓની બે બેચ કોમ્પ્યુટરના પ્રેક્ટિકલ શિક્ષણ વગર જ સ્નાતક થઈ ગઈ છે પણ સત્તાધીશોની આંખો ઉઘડી રહી નથી.લેબોરેટરીનુ કામ ક્યારે શરુ થશે, કોમ્પ્યુટર અને બીજા સાધનો ક્યારે ખરીદાશે અને કેટલા સમયમાં આ લેબોરેટરી શરુ કરાશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.કોમર્સ ફેકલ્ટીને વિદ્યાર્થીઓની ફીમાંથી ડેવલપમેન્ટ ફંડ માટે દર વર્ષે લાખો રુપિયા મળતા હોય છે.આ રકમનો ઉપયોગ કરવાની જગ્યાએ વિદ્યાર્થીઓને મહત્વની સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.