વડોદરાની આંગણવાડીમાં ભૂલકાઓ ટેકનોલોજીના માધ્યમથી શીખી શકે તે માટે કોમ્પ્યુટર લેબ શરૂ કરાઈ
- ભૂલકાઓ કોમ્પ્યુટર દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓની જાણકારી મેળવશે, સાથે સાથે ચલાવતા પણ શીખશે
વડોદરા,તા.02 માર્ચ 2024,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની આંગણવાડીમાં આવતા ભૂલકાઓને ટેકનોલોજીના માધ્યમથી શીખી શકે તેવા ઉદ્દેશ્યથી વડોદરાના મંગલ પાંડે રોડ પર પીએમ આવાસ, મોલ પાછળ, સમા સ્થિત આંગણવાડીમાં આજથી કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ સમિતિના સભ્યના કહેવા મુજબ નાના ભૂલકાઓના મનમાં ખૂબ પ્રશ્નો હોય છે. ખાસ તો કોમ્પ્યુટર કઈ રીતે ચાલે છે, તેમાં શું હોય છે વગેરે જાણવાની ખૂબ ઉત્સુકતા હોય છે. અહીં આંગણવાડીમાં સહયોગ મેળવીને ઇન્ટરનેટ કનેક્શન સાથે બે કોમ્પ્યુટર મૂકવામાં આવ્યા છે અને અહીંના ઇન્ચાર્જ મેડમને પણ તેની જાણકારી આપી દેવામાં આવી છે. તેઓ બાળકોને પ્રાણીઓ, પક્ષીઓ, નદીઓ જુદી જુદી કવિતાઓ વગેરેથી વાકેફ કરાવશે, એટલું જ નહીં બાળકોને કોમ્પ્યુટર પણ ઓપરેટ કરવાનું કહેવાશે, એટલે કે બાળક મોટું થઈને અહીંથી બહાર નીકળે અને પ્રાથમિક શિક્ષણ લેવા જાય ત્યારે કોમ્પ્યુટર શું છે અને તેનો ઉપયોગ શું થાય છે. કમસેકમ તેના વિશે તો માહિતગાર થઈ જશે. વડોદરા કોર્પોરેશન દ્વારા આઈ.સી.ડી.એસ યોજના હેઠળ આશરે 380 આંગણવાડીઓ ચાલે છે. જેમાં ત્રણથી પાંચ વર્ષના બાળકોને થીમ બેઝ સ્કુલ એક્ટિવિટી કરાવવામાં આવે છે. અગાઉ આ આંગણવાડીની દીવાલો ખરાબ થઈ જતા પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. અહિંયા આશરે 30 બાળકો આવે છે. આ બાળકો સરળતાથી જ્ઞાન લઇ શકે તે માટે આંગણવાડીની દીવાલો ઉપર વિચારમંથન બાદ આકર્ષક ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓ, એબીસીડી, શરીરના બાહ્ય અવયવો, ફળો-શાકભાજી, વન્ય જીવો વગેરેનો સમાવેશ થાય છે એ જોઈને બાળક જ્ઞાન મેળવી શકશે.