કોમ્પ્યુટર ફી લેવાય છે પણ કોમ્પ્યુટરનું શિક્ષણ અપાતું નથી, એમઈએસ સ્કૂલ સામે NSUIના દેખાવો
Vadodara NSUI Protest : વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી એમઈએસ સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં ગેરરીતિ ચાલી રહી હોવાના ચોંકાવનારા આક્ષેપો સાથે આજે એનએસયુઆઈ દ્વારા વડોદરા ડીઈઓ કચેરીમાં દેખાવો કરીને રજૂઆત કરવામાં આવી હતી.
એનએસયુઆઈના કાર્યકરોએ કહ્યું હતું કે, આ સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં બાલવાડીથી લઈને ધો.12 સુધી પ્રવેશ આપતા પહેલા વિદ્યાર્થીઓનો ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે. જ્યારે નિયમ પ્રમાણે પ્રવેશ માટે કોઈ પણ વિદ્યાર્થીનો ઈન્ટરવ્યૂ લઈ શકાય નહીં. ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા જેટલા વર્ગ મંજૂર કરાયા છે તેના કરતા વધારે વર્ગ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે જે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે તેમની શૈક્ષણિક લાયકાત પણ નિયમ પ્રમાણે નથી.
સાથે-સાથે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે કોમ્પ્યુટર ક્લાસની ફી વસૂલ કરવામાં આવે છે પણ કોમ્પ્યુટર લેબમાં એક પણ કોમ્પ્યુટર કાર્યરત નથી. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને તકલીફ પડી રહી છે. નિયમોને નેવે મુકીને સ્કૂલનું સંચાલન કરવા બદલ સ્કૂલના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવે.