મર્ડર જેવા ગંભીર ગુનાની ફરિયાદ ઓન લાઇન કરવામાં પોલીસના ઠાગાઠેયા
મકરપુરામાં એક ગુનાની ફરિયાદ જ ગાયબ થઇ ગઇ : ઉચ્ચ અધિકારીની સૂચના પછી મર્ડરની ફરિયાદ ઓન લાઇન કરાઇ
વડોદરા,સરકાર દ્વારા નાગરિકોને તમામ માહિતી ઘેર બેઠા મળી રહે તે માટે સિટિઝન પોર્ટલ શરૃ કરવામાં આવ્યું છે. તેમાં દરેક પોલીસ સ્ટેશનમાં નોંધાતી ફરિયાદ ઓન લાઇન કરવામાં આવે છે. તેમજ ચોરી જેવી ઘટનાની ફરિયાદ પણ ઘેર બેઠા કરી શકાય છે. પરંતુ, વડોદરા પોલીસ સરકારના આદેશને ઘોળીને પી ગઇ છે. મર્ડર અને મારામારી જેવા ગંભીર ગુનાની ફરિયાદ ઓન લાઇન કરવામાં આવતી નથી. આ અંગે અધિકારીનું ધ્યાન દોર્યા પછી એફ.આઇ.આર. ઓન લાઇન કરવામાં આવી હતી.
ત્રણ દિવસ પહેલા વાડી પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાની ઘટના બની હતી. જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો મર્ડરનો હતો, છેડતી, સગીરાના અપહરણ, એટ્રોસિટિ જેવા કેસમાં મામલો સંવેદનશીલ છે. આવા ગુનાઓની ફરિયાદ ઓન લાઇન ના કરી શકાય. તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવે છે. પરંતુ, મર્ડર જેવા કેસમાં ફરિયાદ જાહેર નહીં કરવા પાછળ વાડી પોલીસનો હેતુ શું હતો ? તે સ્પષ્ટ થઇ શક્યું નથી. વાડી પી.આઇ. જીજ્ઞોશ ગામીત આ અંગે કોઇ સ્પષ્ટતા કરી શક્યા નહતા. આ અંગે એ.સી.પી.નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું વાડી પી.આઇ.ને કહું છું. ત્યારબાદ આ એફ.આઇ.આર. ઓન લાઇન કરવામાં આવી હતી.
જ્યારે અન્ય એક કિસ્સો મકરપુરા પોલીસ સ્ટેશનનો સામે આવ્યો છે. તેમાં જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ છે. જે ફરિયાદ કરવા માટે ફરિયાદી પોલીસ સ્ટેશન જાય છે. પરંતુ, ડી સ્ટાફ પી.એસ.આઇ. ફરિયાદ લેવામાં આનાકાની કરે છે. છેવટે ફરિયાદી ઉપરી અધિકારીને મળે છે. ત્યારબાદ ગુનો દાખલ થાય છે. હવે આશ્ચર્યની વાત એ છે કે, ૧૦ મી તારીખે દાખલ થયેલી આ એફ.આઇ.આર. ઓન લાઇન કરવામાં જ આવી નથી. તેની આગળ પાછળની ફરિયાદ ઓનલાઇન કરવામાં આવી છે. પરંતુ, આ ફરિયાદ ઓનલાઇન કરવામાં જ આવી નથી. આરોપીનું નામ જાહેર ના થાય તે માટે પોલીસ દ્વારા આખી ઘટનાને જ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ત્યારે બીજી તરફ એવા પણ કેટલાક કિસ્સાઓ છે. જેમાં સગીરાના અપહરણ જેવી ગંભીર ઘટનામાં સગીરાની ઓળખ જાહેર કરવાની હોતી નથી. પરંતુ, પોલીસ દ્વારા આવી ફરિયાદ ઓનલાઇન કરી દેવામાં આવે છે.