જુન જુલાઈ મહિનાનું વીજ બિલ વધારે આવ્યું હોવાની ફરિયાદો
વડોદરાઃ વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા જુન અને જુલાઈ માસના વીજ બિલ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે ત્યારે દર વખત કરતા બિલ ઘણું વધારે આવ્યું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે વીજ કંપની દ્વારા બે મહિનાનું વીજ બિલ આપવામાં આવે છે.જુન-જુલાઈ મહિનાના બિલો જોઈને ઘણા ગ્રાહકો બિલ વધારે હોવાની ફરિયાદ કરી રહ્યા છે.કેટલાકનુ કહેવુ છે કે, બિલમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો હોય તો કદાચ સમજી શકાય પણ દર વખત કરતા ડબલ બિલ આપવામાં આવ્યું છે.
આ પ્રકારની ફરિયાદ કરનારા ઘણા ગ્રાહકોના તો ઘરમાં સોલાર પેનલો પણ લગાડેલી છે અને આમ છતા તેમની વીજ બિલની રકમ ઘણી વધારે હોવાની ફરિયાદ તેઓ કરી રહ્યા છે.સાથે સાથે તેમને બિલ વધારે કેમ આવ્યું છે તેનુ કોઈ સ્પષ્ટીકરણ પણ મળી રહ્યું નથી.
સમા વિસ્તારના એક સામાજિક કાર્યકરે કહ્યુ હતુ કે, મારી જ સોસાયટીમાં ૧૦ થી ૧૫ લોકોનું બિલ વિચાર્યું ના હોય તેટલુ વધારે આવ્યું છે.એક રહેવાસીને તો સોલાર પેનલ લગાડી હોવા છતા ૩૦૦૦૦નુ બિલ મળ્યું છે.
બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓ આ બાબતને નકારી રહ્યા છે.વીજ કંપનીના મેનેજિંગ ડિરેકટર તેજસ પરમારે કહ્યુ હતુ કે, આ વખતે ઉનાળો લાંબો ચાલ્યો છે.જુન અને જુલાઈ મહિનામાં પણ લોકોના એસી વધારે ચાલ્યા છે એટલે વપરાશ વધ્યો હોવાથી બિલની રકમમાં વધારો થયો હોઈ શકે છે. વીજ બિલના કોઈ પણ ચાર્જમાં વધારો પણ કરવામાં આવ્યો નથી.