આણંદના ગ્રામ્ય વિસ્તારોમાં કરિયાણાની દુકાનોમાં દવાઓના વેચાણની ફરિયાદ
ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ બાબતે પગલાં લે તેવી મેડિકલ એસોસીએશનની માંગ
આણંદ: આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક બોગસ તબીબો ગેરકાયદે હાટડીઓ ખોલી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાના બહાને આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. સાથે જ આવા વિસ્તારોમાં સામાન્ય બિમારીની દવાઓ લાયસન્સ વિના કરિયાણાની દુકાનોમાં વેચાતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે દવાના વેપલા અંગે આણંદ જિલ્લા મેડિકલ એસોસીએશન દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. જે અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ યોગ્ય તપાસ કરાવે તેવો મત મેડિકલ એસોસીએશન દ્વારા રજૂ કરાયો છે. જિલ્લાના કેટલાક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી દવાખાના દૂર હોય છે અને તબીબી સારવાર પણ ઉપલબ્ધ હોતી નથી. આ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરનો પણ અભાવ હોય છે, ત્યારે શરદી, તાવ, શરીરનો દુઃખાવો, ઝાડા-ઉલટી જેવી સામાન્ય બિમારી માટે ગ્રામજનો ગામમાં આવેલી કરિયાણાની દુકાનનો સહારો લેતા હોય છે. આવી કરિયાણાની કેટલીક દુકાનો ખાતે કોઈપણ જાતના મેડિકલ જ્ઞાાન વિના દુકાનદાર દ્વારા સામાન્ય ગોળીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો રોષ નાગરીકોએ ઠાલવ્યો છે.
આણંદ જિલ્લા મેડિકલ એસોસીએશનના જણાવ્યા મુજબ, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ્યારે પણ એસોસીએશનની મિટીંગ મળે છે, ત્યારે રજૂઆત કરવામાં આવે છે. લાયસન્સ વિના પેઈનકિલર દવાઓ વેચવી ગેરકાયદેસર છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં કેટલીક કરિયાણાની દુકાનોમાં આવી દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.