મિલકતનો વેરો ભરાઇ ગયો હોવાની ખોટી વેરા પાવતી બનાવવામાં આવતા ફરિયાદ

બે વર્ષનો બાકી વેરો ૧.૮૯ લાખ વસુલવા કોર્પોરેશનનો સ્ટાફ ગયો હતો : વોટ્સએપ પર પાવતી મોકલી આપી

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
મિલકતનો વેરો ભરાઇ ગયો હોવાની ખોટી વેરા પાવતી બનાવવામાં આવતા ફરિયાદ 1 - image

વડોદરા,દાંડિયા બજાર રાજધાની હોટલની નીચે કાર્યરત ઇન્ડસઇન્ડ બેંકવાળી પ્રોપર્ટીનો ટેક્સ ભરાઇ ગયો હોવાની ખોટી વેરા પાવતી આપનાર મિલકના માલિક સામે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ મહેશ કોમ્પલેક્સ પાસે લાડુબા નગરમાં રહેતો ભાર્ગવ હરેશભાઇ હડિયલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. તેઓનું કામ વેરા વસુલાત અંગેનું છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વોર્ડ - ૧૪ માં દાંડિયા બજાર મેન રોડ ઇશ્વર ભુવન નામની મિલકત રાજધાની હોટલની નીચે આવેલી છે. કોર્પોરેશનમાં આ મિલકત જયાબેન જશવંતભાઇ અડવાણી તથા ભોગવટો કરનાર તરીકે ઇશ્વર ભુવન ટેનન્ટ તરીકે ઓળખાય છે. આ મિલકતના બે વર્ષના બાકી વેરાની રકમ ૧.૮૯ લાખ નીકળતી હતી. તે વેરાની વસુલાત માટે સ્ટાફ સાથે ગત તા. ૨૨ ફેબુ્રઆરીએ દાંડિયા બજાર ઇશ્વર ભુવન,રાજધાની હોટલ નીચે આવેલી મિલકત  ઇન્ડસઇન્ડ બેંક ખાતે રિકવરી માટે ગયા હતા. બેંકના મેનેજરને મળતા તેમણે વેરો ભરપાઇ થઇ  ગયો હોવાનું જણાવ્યું હતું. સ્ટાફના કર્મચારીએ વેરા પાવતી રજૂ કરવા જણાવતા બેંક મેનેજરે મિલકતના માલિક જયાબેન અડવાણી  પાસેથી મેળવી વોટ્સએપ પર મોકલી આપવાનું કહેતા કોર્પોરેશનનો સ્ટાફ ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ ગૌરાંગ દવેનું નામ લખી વેરા  ભર્યો હોવાની  પાવતી વોટ્સએપ પર મોકલવામાં આવી હતી. આ પાવતી અંગે શંકા જતા બેંક સ્ટેટમેન્ટની નકલ મોકલવા જણાવ્યું હતું. થોડીવાર પછી સ્ટેટમેન્ટની નકલ પણ મોકલવામાં આવી હતી. જે આઇ.ટી.વિભાગમાં ચેક કરાવતા ખોટી હોવાનું જણાઇ આવ્યું હતું. જે અંગે ફરિયાદ કરવા માટે મંજૂરી મળતા ફરિયાદ કરી છે.

રાવપુરા પોલીસે મિલકના માલિક જયાબેન જશવંતભાઇ અડવાણી (રહે. શારદા સોસાયટી, આર.ટી.ઓ.પાછળ, વારસિયા) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News