કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં બે અધિકારી સહિત છ જણા સામે ફરિયાદ નોંધાઈ
થાંભા ગામના શખ્સે નાની ઝેર ગામની સીમમાં ફાંસો ખાધો હતો
આખરે મરવા માટે મજબૂર કરવા અંગેનો ગુનો સુસાઈડ નોટના આધારે દાખલ કરાયો
કપડવંજ, નડિયાદ: કપડવંજ માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરની શનિવારે નાની ઝેર ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. આ અંગે કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઈડ નોટ અને ઘરે પરીવારને જણાવેલી આપવીતી મુજબ તેમના નાનાભાઈએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે કપડવંજ સબ ડિવિઝનના ડીઈ, એસઓ, લુણાવાડાના શ્રી રામ બિલ્ડર્સના વહીવટદારો સહિત છ શખ્સો સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
નાની ઝેર ગામની સીમમાં તા.૧૫ જૂનના રોજ કપડવંજ માર્ગ અને મકાન વિભાગમાં ૩૫ વર્ષથી કોન્ટ્રાક્ટ લઈને કામ કરતા થાંભા ગામના કોન્ટ્રાક્ટર કનુભાઈ સોમાભાઈ પટેલનો મૃતદેહ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના ખિસ્સામાંથી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. સુસાઈડ નોટ તથા કનુભાઈએ પરિવારને જણાવેલી આપવીતી મુજબ, કનુભાઈએ એપ્રિલ ૨૦૨૩થી નડિયાદ માર્ગ અને મકાન વિભાગના કપડવંજ ડિવિઝનના તૈયબપુરા-મોટીઝેર સુધીના કામનું ટેન્ડર લેનાર એલ.જી. ચૌધરી (રહે. અમદાવાદ)ના સબ કોન્ટ્રાક્ટર તરીકે કામ શરૂ કર્યું હતું. કપડવંજ તાલુકાના રોડનું મોટાભાગનું કામ પુરુ થઈ ગયું હોવા છતાં કપડવંજ સબ ડિવિઝનના દીપક ગુપ્તા અને જીગર કડીયા (સથવારા) (બંને રહે. કપડવંજ) ખોટી રીતે રોડનું કામ ચાલુ કરાવી, બંધ કરાવી માનસિક ત્રાસ આપતા હતા. તેમજ કામના બિલ મંજુર કરાવવા મોટી રકમની માંગણી કરી તેમણે કરેલા કામોના રૂ.૨.૨૫ કરોડના બિલો અટકાવી રાખ્યા છે. તેમજ લુણાવાડાના શ્રી રામ બિલ્ડર્સના મનહરભાઈ પટેલ, હિતેશભાઈ સુથાર અને દીપકભાઈ ગાંધી પાસેથી નીકળતા રૂ.૧.૫૩ કરોડ તથા પણસોરા-અલિણા રોડના રૂ.૧.૮૭ કરોડ અને માનગઢ હિલ રોડના રૂ.૩૭ લાખ આપતા નહતા. ત્રણેય શખ્સો તથા સરકારી બિલોમાંથી સાત કરોડ જેટલી રકમ લેવાની નીકળતી હતી. જેને લઈ તેઓ સતત તણાવમાં રહેતા હતા. ગત તા.૧૨ જૂન બાદ તેઓ ઘરેથી લાપતા બન્યા હતા. જે બાદ તા.૧૫ જૂનના રોજ કપડવંજ પોલીસ સ્ટેશન મારફતે પરિવારને તેમના આપઘાત અંગે માહિતી મળી હતી. જેથી કનુભાઈના નાના ભાઈ વિનોદભાઈ સોમાભાઈ પટેલે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે જીગર કડિયા સથવારા, દીપક ગુપ્તા (બંને રહે. કપડવંજ), મનહરભાઈ પટેલ, હિતેશભાઈ સુથાર, દીપકભાઈ ગાંધી (ત્રણેય રહે. લુણાવાડા) અને એલ.જી. ચૌધરી (રહે. અમદાવાદ) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.