Get The App

આર્કિટેકચર વિભાગમાં નિયમોનો ભંગ કરીને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક કરાઈ

Updated: Nov 24th, 2024


Google NewsGoogle News
આર્કિટેકચર વિભાગમાં નિયમોનો ભંગ કરીને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક કરાઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગમાં નિયમોનો ભંગ કરીને પાંચ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે એમ.એસ.યુનિવર્સિટીના જ વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર સતીશ પાઠકે  વાઈસ ચાન્સેલર સામે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા અધ્યાપક આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, પ્રો.પાઠકે વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાત અને અનુભવને  પણ હાઈકોર્ટમાં પડકારેલી છે.જેની સુનાવણી હજી ચાલી રહી છે.

આર્કિટેકચર વિભાગમાં તાજેતરમાં થયેલી નિયુક્તિઓ અંગે તેમણે મુખ્યમંત્રીને કરેલી  ફરિયાદમાં જણાવ્યું છે કે, વિવિધ ક્ષેત્રમાં ં કુશળતા અને ટેકનિકલ જાણકારી ધરાવતા વ્યક્તિ પાસે પ્રોફેસર તરીકેની લાયકાત ના હોય પરંતુ શૈક્ષણિક સંસ્થાને આવા વ્યક્તિની નિમણૂક કરવી હોય તો તે માટે યુજીસીએ અમુક નિયમોનુ 

પાલન કરવાની શરતે  હવે છૂટ આપેલી છે.જોકે આર્કિટેકચર વિભાગ યુજીસી નહીં પરંતુ કાઉન્સિલ ઓફ આર્કિટેકચરના નિયંત્રણ હેઠળ ચાલતી સંસ્થા છે અને તેને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસના નિયમો લાગુ પડે નહીં.આમ છતાં વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે પોતાના  મળતિયાઓને ફાયદો પહોંચાડવા માટે પાંચ ઉમેદવારોની નિમણૂકો કરીને સંસ્થાના હિતોને નુકસાન પહોંચાડયું છે.સાથે સાથે આ પ્રકારે નિમાયેલા અધ્યાપકો માત્ર ઓનલાઈન જ લેકચર લઈ રહ્યા છે.હકીકતમાં તેમણે ડિપાર્ટમેન્ટમાં આવીને કામ કરવાનું હોય છે.હવે ઓફલાઈન લેકચર લેવાની જવાબદારી પાંચ હંગામી અધ્યાપકો પર આવી ગઈ છે. 

પ્રો.પાઠકનું વધુમાં  કહેવું છે કે, પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક હંગામી અધ્યાપકોની સંખ્યા ઘટાડીને કરવામાં આવી છે.જે પણ યુજીસીની ગાઈડલાઈનની વિરુધ્ધ છે.આમ આ બાબતે તપાસ કરીને મુખ્યમંત્રી કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

શિક્ષણ વિભાગ એમ.એસ.યુનિ.માં કશું ખોટું થાય છે તેવુ માનવા જ તૈયાર નથી 

અધ્યાપક આલમમાં ચર્ચા છે કે, વરિષ્ઠ પ્રોફેસરે ફરિયાદ તો કરી છે પણ સરકાર કોઈ કાર્યવાહી કે તપાસ સુધ્ધાં નહીં કરે.કારણકે સરકારના શિક્ષણ વિભાગે એમ.એસ.યુનિવર્સિટી પર ધ્યાન આપવાનું જ બંધ કરી દીધું છે.આ પ્રોફેસર અગાઉ મુખ્યમંત્રીને બીજા મુદ્દાઓ પર ફરિયાદ કરી ચૂકયા છે પરંતુ  તેના પર સરકારે કોઈ કાર્યવાહી કરી નથી.ઉચ્ચ શિક્ષણનો હવાલો સંભાળતા મંત્રી ઋષિકેશ પટેલ તો એમ.એસ.યુનિવર્સિટીમાં કશું ખોટું થઈ રહ્યું છે તેવુ માનવા કે સાંભળળા માટે તૈયાર જ નથી તેવો પણ અધ્યાપક આલમમાં ગણગણાટ છે.

આર્કિટેકચર વિભાગની દયાજનક સ્થિતિ, ૧૭માંથી ૧૬ પોસ્ટ ખાલી 

આર્કિટેકચર વિભાગની ભારે કફોડી હાલત છે.આ વિભાગમાં અધ્યાપકોની ૧૭ જગ્યાઓ છે પરંતુ એક હેડને છોડીને તમામ જગ્યાઓ ખાલી છે.જેના પર હંગામી અધ્યાપકોની ભરતી કરીને કામ ચલાવાય છે.તેમાં પણ હવે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક કરીને હંગામી અધ્યાપકોની સંખ્યા પર પણ કાપ મૂકી દેવાયો છે.


Google NewsGoogle News