સ્કૂલની આયાએ ૪ વર્ષની બાળકીને ગંદા ઇશારા કર્યા હોવાની ફરિયાદ
અગાઉ શિક્ષિકા સામે પણ આક્ષેપો કરતા પ્રિન્સિપાલે તેની બદલી કરી દીધી હતી
વડોદરા,શહેરની એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતી ૪ વર્ષની બાળકીને તેની ક્લાસની આયાએ માર મારી ગંદા ઇશારા કર્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતા મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે, શહેરની એક અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકી નર્સરીમાં ભણે છે. તેના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરીની ક્લાસની આયાએ માર મારી ગંદા ઇશારા કર્યા હતા. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા સ્કૂલમાં ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજ મેળવી તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકીની ચાર મહિનાની ફી બાકી હતી. ચાર મહિના અગાઉ પણ તેના વાલીએ એક શિક્ષિકા સામે આક્ષેપો કર્યા હતા. જેથી, સ્કૂલના પ્રિન્સિપાલે તે શિક્ષિકાને બદલી નાંખ્યા હતા. ત્યારબાદ હવે આયા પર આક્ષેપો કર્યા છે. પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કર્યા પછી જ ધરપકડ કરવામાં આવશે.