પેલેસના ગરબામાં સિક્યોરિટી ગાર્ડે નહીં પિતાએ જ બાળકીને બાવડુ જાલીને ખેંચી હોવાની ફરિયાદ
32 વર્ષની યુવતીના પાસના આધારે 8 વર્ષની બાળકીને ગ્રાઉન્ડમાં ઘુસાડી હતી, પોલીસ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ
વડોદરા : લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબામાં સિક્યોરિટી ગાર્ડે (બાઉન્સરે)૮ વર્ષની બાળકીનો હાથ મચકોડીને મેદાન બહાર કાઢી હોવાની અરજી બાળકીના પિતાએ પોલીસને આપી હતી. આ બાળકી અમેરિકન સિટીઝન હોવાથી બાળકીના પિતાએ અમેરિકન એમ્બેસીને પણ જાણ કરી હતી. જો કે આ આખી ફરિયાદમાં યુ-ટર્ન આવ્યો છે. ગરબા આયોજકોએ પોલીસ સમક્ષ રજૂ કરેલા પુરાવામાં બાળકીના પિતા જ તેનો હાથ ખેંચતા હોવાનુ જણાઇ રહ્યું છે અને બાળકીને અન્ય કોઇના પ્લેયર્સ પાસના આધારે ગ્રાઉન્ડ ઉપર એન્ટ્રી કરાવી હોવાનું બહાર આવ્યુ છે એટલે સિક્યોરિટી એજન્સી દ્વારા બાળકીના પિતા સામે ફરિયાદ દાખલ કરવા પોલીસમા અરજી આપી છે.
સિક્યોરિટી એજન્સી દ્વારા પોલીસને આપેલી અરજીમાં ઉલ્લેખ છે કે બાળકીના પિતાએ દસ્તાવેજો રજૂ કરીને ત્રણ પાસ વેબસાઇટ ઉપરથી ખરીદી કર્યા હતા. અમારા ગરબા ગ્રાઉન્ડ ઉપર બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૩ વર્ષ અને તેથી મોટી ઉમરના બાળકોને જ પ્રવેશ અપાય છે. કહેવાતા બનાવના આગલા દિવસે ૭ ઓક્ટોબરે આ ૮ વર્ષની બાળકી એક મહિલા સાથે આવી હતી ત્યારે સિક્ટોરિટી ગાર્ડે તેઓને રોક્યા ત્યારે મહિલાએ કહ્યું હતું કે ફક્ત ફૂડકોર્ટ સુધી જ બાળકીને લઇને જશે. બાળકીનો પાસ સ્કેન કરતા તે કોઇ ૩૨ વર્ષની યુવતીનો હતો. સિક્યોરિટી અધિકારીએ આ ગેરકાયદે કૃત્ય સામે ચેતવણી આપી ત્યારે બાળકી સાથે આવેલી મહિલાએ વિનંતી કરી હતી કે બાળકીને એકલી રાખવી શક્ય નથી. ફક્ત ફુડકોર્ટ સુધી જ જશે એટલે માનવતા ખાતર તેને જવા દેવાયા હતા.
બીજા દિવસે એટલે કે ૮ ઓક્ટોબરે રાત્રે બાળકી સાથે તેના પિતા અને મહિલા ગ્રાઉન્ડ ઉપર ગરબા કરતા હતા ત્યારે સિક્ટોરિટી ગાર્ડની નજર બાળકી ઉપર પડતા તેઓએ સુરક્ષા માટે બાળકીને ગ્રાઉન્ડથી બહાર લઇ જવા સૂચના આપી હતી. બાળકીના પિતાએ સિક્યોરિટી ગાર્ડઝ સાથે ગેરવર્તુણક કરી હતી. સિક્યોરિટીએ કહેલું કે બાળકીને તમે અન્ય કોઇ ૩૨ વર્ષની યુવતીના પાસના આધારે ખોટુ બોલીને ગેરકાયદે પ્રવેશ કરાવ્યો છે. બાળકીને ૧૨થી નાની છે અને તેને ગ્રાઉન્ડ ઉપર પ્રવેશ આપી શકાય નહી. આ સમયે બાળકીના પિતાએ જ બુમ પાડીને બાળકીને બાવડાના ભાગે જોરથી પકડીને ખેંચી જઇને ગરબા રમવાનું શરૃ કરાવતા સિક્યોરિટી ગાર્ડે તેઓને રોકીને ગ્રાઉન્ડ બહાર લાવ્યા હતા. ગ્રાઉન્ડ બહાર પોલીસ સાથે પણ તેઓએ ગેરવર્તણૂક કરેલી હતી.