મગોડી પાસે ખારી નદીમાંથી રેતી ચોરી સ્ટોક કરાતો હોવાની ફરિયાદ
નદી કિનારાના ગામોમાં ગેરકાયદે સ્ટોક
તંત્રને રજુઆત છતા કાર્યવાહી થતી નથી : સ્થાનિક તંત્ર પણ રેતીચોરો સાથે ભળેલું હોવાથી ગ્રામજનોમાં રોષ
ગાંધીનગર જિલ્લાની નદીઓમાં ગેરકાયદે ખનન કરવાની પ્રવૃત્તી
ખુબ જ ફુલી ફાલી છે તે વચ્ચે તંત્ર દ્વારા જ્યારે નદીમાં દરોડો પાડવા જાય છે
ત્યારે રેતીચોરો ભાગી જવામાં સફળ રહે છે અને નદીના પટમાંથી રેતીચોરોને પકડવામાં
તંત્રને નિષ્ફળતા મળી રહી છે જો કે,
ભુસ્તર તંત્ર દ્વારા માર્ગો ઉપર ચેકીંગ વધારી દિધું છે અને રોયલ્ટીપાસ વગર કે
ગેરકાયદે ફરતા ડમ્પરોને પકડવામાં આવી રહ્યો છે તે વચ્ચે ગાંધીનગરના મગોડી ગામમાં
ગેરકાયદેરીતે નદીની રેતી-માટીનો સ્ટોક કરવામાં આવ્યો હોવાની ફરિયાદ ઉઠી રહી છે.
આ અંગે ગ્રામજનો દ્વારા કલેક્ટર સહિત ભુસ્તર તંત્રને પણ ફરિયાદ કરી હતી તેમ છતા ગામમાંથી ઢગલા દૂર થતા નથી એટલુ જ નહીં, વાહનો ભરી ભરીને અહીં રેતીનો સ્ટોક કરવામાં આવે છે જેના કારણે ગ્રામજનોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. જો કે, આ અંગે સ્થાનિક તંત્ર તમામ હકિકત જાણતું હોવા છતા પણ મૌન છે અને ગામમાં ગેરકાયદે સ્ટોક થવા દે છે જેના કારણે સ્થાનિક તંત્ર પણ રેતીચોરો સાથે સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.