પાળજમાં જમીન પચાવી પાડવાના મામલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
સીમમાં આવેલી 50 ગુંઠા જમીન પચાવી પાડી
કલેક્ટરના આદેશ બાદ પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
આણંદ: પેટલાદ તાલુકાના પાળજ ગામની સીમમાં આવેલ ૫૦ ગુંઠા જેટલી જમીન ઉપર છેલ્લા ઘણાં વર્ષોથી કબ્જો જમાવી દેનાર શખ્શ વિરૂધ્ધ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ પેટલાદ શહેર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુકેશભાઈ કાળીદાસ પટેલના દાદાની પાળજ ગામની સીમમાં ૫૦.૫૯ ગુંઠા જમીન આવેલી હતી. દાદાના અવસાન બાદ ઉક્ત જમીન વારસાઈ હક્કે કાળીદાસભાઈના નામે થઈ હતી. કાળીદાસભાઈને નાણાંની જરૂરીયાત પડતા જે-તે સમયે મણીભાઈ ઝવરભાઈ પટેલને રૂા.૨૬૦૦માં ગીરો આપી હતી. બાદમાં ત્રણ વર્ષ પછી પરત છોડાવી લીધી હતી. ત્યારબાદ આ જમીન ગામના પુનમભાઈ પટેલને ખેડવા આપી હતી. દરમ્યાન વર્ષ ૧૯૮૯માં કાળીદાસભાઈનું અવસાન થતાં તેમના ચાર પુત્રો અને બહેનોના નામ ૭/૧૨માં દાખલ થયા હતા. ત્યારબાદ પુનમભાઈએ ઉક્ત જમીનની ઉપજનો હિસ્સો આપવાનું બંધ કરી દીધું હતું. જેથી જમીનની પરત માંગણી કરતા પુનમભાઈ દ્વારા જમીનમાં તમારું કશુ લાગે નહી, તમારો કોઈ હક્ક નથી તેમ જણાવતા મુકેશભાઈએ આ અંગે જિલ્લા કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી સંપન્ન થતા લેન્ડગ્રેબીંગનો ગુનો બનતો હોઈ કલેક્ટર દ્વારા આદેશ કરાતા પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.