સ્પોર્ટ્સ ડે માં ગયેલો વિદ્યાર્થી ગૂમ થઇ જતા અપહરણની ફરિયાદ

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વિદ્યાર્થીની શોધખોળ શરૃ કરી

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News

 સ્પોર્ટ્સ ડે માં ગયેલો વિદ્યાર્થી ગૂમ થઇ જતા અપહરણની ફરિયાદ 1 - imageવડોદરા,ઘડિયાળી પોળની સયાજી સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્પોર્ટ્સ ડે ની ઉજવણી પછી સ્કૂલેથી નીકળ્યો હતો. પરંતુ, વિદ્યાર્થી ઘરે નહીં પહોંચતા માતાએ પુત્રના અપહરણની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

શહેરના વાડી વિસ્તારમાં રહેતા પરિવારનો ૧૫ વર્ષનો બાળક ઘડિયાળી પોળમાં આવેલી સયાજી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ગત તા.૫ મી એ સ્પોર્ટ્સ ડે હોવાથી વિદ્યાર્થી સવારે સાડા છ વાગ્યે સ્કૂલે ગયો હતો. સ્કૂલ છૂટયા પછી તે ઘરે નહીં આવતા માતાએ ફોન કરીને સ્કૂલની શિક્ષિકાને કોલ કરીને પૂછ્યું હતું. શિક્ષિકાએ જણાવ્યું હતું કે, સ્કૂલ  પોણા બાર વાગ્યે  છૂટી  ગઇ છે અને બધા બાળકો નીકળી  ગયા છે. તમારો દીકરો સ્કૂલેથી નીકળ્યા  પછી ક્યાં ગયો ? તેની મને જાણ નથી. ત્યારબાદ માતા - પિતાએ સ્કૂલમાં જઇને તપાસ કરી હતી. પરંતુ, તેમનો પુત્ર મળી આવ્યો નહતો. જે અંગે માતાએ પુત્રના અપહરણની ફરિયાદ વાડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જોકે, ૨૪ કલાક  પછી પણ વિદ્યાર્થીની કોઇ ભાળ મળી નથી.

સ્કૂલ નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરતા વિદ્યાર્થી તેના મિત્રની સાઇકલ પાછળ બેસીને જતો દેખાય છે. મિત્રને  પૂછતા તેણે કહ્યું હતું કે, હું થોડે દૂર નાસ્તાની દુકાન સુધી તેની સાથે ગયો હતો. દુકાન પાસે તેને ઉતારીને હું જતો રહ્યો હતો. પછી તે ક્યાં ગયો ? તેની મને જાણ નથી.



Google NewsGoogle News